24 કલાકથી ટેન્કર એક જ સ્થળે રહેતાં તપાસ કરતાં ઘટસ્ફોટ થયો
મૃતક ટેન્કરનો ચાલક જ હોવાનું અનુમાન, જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી
અંક્લેશ્વર.
અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલી યુપીએલ – 1 કંપની પાસે એક ટેન્કર છેલ્લાં 24 કલાકથી પાર્ક હોઇ તેમાં તપાસ કરતાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક ટેન્કરનો ચાલક જ હોવાનું પ્રાથમિક અનુમાનન છે. ત્યારે ઘટનાની જાણ થતાં અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમે સ્થળ પર દોડી આવી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપની પાસે એક ટેન્કર આવીને ઉભું રહ્યું હતું. જોકે, છેલ્લાં 24 કલાકથી ટેન્કર એક જ સ્થળે ઉભું હોવાને કારણે આસપાસની કંપનીઓના સિક્યુરિટી ગાર્ડ તેમજ લોકોને શંકા જતાં તેમણે ટેન્કરમાં તપાસ કરતાં અંદર એક યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને પગલે તેમણે અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસને જાણ કરતાં ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. ટેન્કરમાં તપાસ કરતાં એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં હોરીલાલ યાદવ લખ્યું હતું. પોલીસે પ્રાથમિક તબક્કે મૃતક ટેન્કરનો ચાલક જ હોવાનું અનુમાન લગાવ્યું છે. બીજી તરફ ટેન્કરમાં તપાસ કરતાં ટેન્કરમાં વલસાડથી અંક્લેશ્વર માલ લાવવામાં આવ્યો હોવાના દસ્તાવેજ મળ્યાં હતાં. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેનું મૃત્યુ કેવી રીતે અને કયાં સંજોગોમાં થયું તેનું તારણ શોધવાની કવાયત પોલીસેહાથ ધરી છે.