જલ એક્વા કંપનીમાં લાગેલી આગે બાજુમાં આવેલી બી. આર. એગ્રો કંપનીને પણ ચપેટમાં લીધી
એક પછી એક 10થી 12 ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યાં
પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
ભરૂચ.
14 એપ્રિલ એટલે કે રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિન નિમિત્તે ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ ફાયર વિભાગો દ્વારા એક તરફ તેની ઉજવણીની તૈયારીઓમાં જોતરાયાં હતાં. દરમિયાનમાં અંક્લેશ્વરની પાનોલી જીઆઇડીસી ખાતે બે કંપનીઓમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં જલ એક્વા કંપનીમાં લાગેલી આગે બાજુમાં જ આવેલી બી. આર. એગ્રો કંપનીમાં પણ આગ પ્રસરી ગઇ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ આસપાસના 10થી 12 ફાયર વિભાગના વાહનોએ ધસી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
અંક્લેશ્વરની પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જલ એક્વા કંપનીમાં વહેલી સવારના સમયે આગ ભભુકી ઉઠી હતી. આગના કારણે ધૂમાડા ઉઠતાં દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ અને ધૂમાડા જોવા મળ્યાં હતાં. આગ લાગવાની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ – કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં અંક્લેશ્વર અને ડીપીએમસી સહિત આસપાસની કંપનીના મળી કુલ 10થી 12 ફાયર ટેન્ડર તુરંત ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. લાશ્કરોએ સતત સાતેક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતાં જ કર્મચારીઓ અસરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર દોડી જતાં સદનશીબે કોઇને જાનહાની થઇ ન હતી.
આગ એક તબક્કે એટલી વિકરાળ થઇ ગઇ હતી કે, સુરક્ષાને ધ્યાનમાં રાખી કંપની તરફ જવાના માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. આગની ઘટનાને લઇને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, જીપીસીબી તથા પોલીસ વિભાગને જાણ કરાતાં ટીમો સ્થળ પર દોડી આવી હતી. પ્રાથમિક તબક્કે બન્ને કંપનીના સ્ટોરેજ એરિયામાં જ આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું.