નર્મદા જિલ્લાના ચાપટ ગામે યુવાનને સર્પે દંશ દેતાં ઝોળીમાં સારવાર માટે લઇ જવાયો
આઝાદીના આટલાં વર્ષો વિતી ગયાં હોવા છતાં ચાપટ ગામને જોડતો રસ્તો બન્યો નથી
પ્રવાસન માટે કરોડો રૂપિયાનું બજેટ પણ ગ્રામ્ય રસ્તો બનાવવામાં તંત્ર ઉણું ઉતરે છે
રસ્તાના અભાવે ચાપટ ગામ સુધી એમ્બ્યુલન્સ કે અન્ય કોઇ વાહન આવી શકતું નથી
ભરૂચ.
પ્રવાસનથી ધમધમતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડ 10 કિમી દૂર આવેલાં ગરૂડેશ્વર તાલુકાના ચાપટ ગામે એક યુવાનને સર્પે દંશ દેતાં તેને સારવાર માટે લઇ જવાનો પ્રશ્ન સર્જાયો હતો. ચાપટ ગામને જોડતો રસ્તો ન હોવાને કારણે 108 કે અન્ય કોઇ વાહન આવી ન શકવાને કારણે ગ્રામજનોએ યુવાનને ઝોળીમાં તેને સારવાર અર્થે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. જોકે, આઝાદીના આટલાં વર્ષો વિતી જવા છતાં રોડ-રસ્તાની પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત રાજ્ય ગતિશીલ અને વિકસીત રાજ્ય તરીકે ઓળખાય છે. ત્યારે ગુજરાતના જ એક ગામમાં આઝાદીના આટલાં વર્ષ બાદ પણ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા હજી સુધી પહોંચી નથી. બારેમાસ પ્રવાસીઓથી ધમધમતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દર વર્ષે લાખો-કરોડો લોકોની અવર-જવર હોય છે. પ્રવાસીઓ માટે નવનવીન સુવિધાઓ ઉભી કરવા માટે વહિવટી તંત્ર સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડ 10 કિમી દુર આવેલું ગરૂડેશ્વરનું ચાપટ ગામ હજી સુધી વિકાસથી વંચિત છે. ચાપટ ગામના પેટા ફળિયામાં 47 મકાનો આવેલાં છે. જેમાં 250થી વધુ લોકોની વસ્તી છે. પરંતુ આ ફળિયા સુધી હજી સુધી પાકો રસ્તો બન્યો નથી. જેના કારણે એમ્બ્યુલન્સ સહિત કોઇ વાહન આ ફળિયા સુધી આવી શકતું ન હોવાથી લોકોને સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલાં ગામની એક મહિલાને પ્રસૃતિનો સમય આવી જતાં વાહનના અભાવે તેને ઝોળીમાં નાંખી લઇ જવાતી હતી. જોકે, તેને રસ્તામાં જ પ્રસૃતિ થઇ ગઇ હતી. આવી ઘટનાઓ અનેકવાર બનવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં ભરવામાં નહીં આવતાં લોકોની સમસ્યાનું હજી સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી.
દરમિયાનમાં વધુ એક આ જ પ્રકારની દયનિય ઘટના સામે આવી છે. ગામમાં રહેતાં ઇદ્રીશ ડંખ્યા વસાવા નામના એક યુવાનને સર્પે દંશ દેતાં ગ્રામજનોએ સર્પને મારી નાંખી સર્પદંશથી પિડીત યુવાનને સારવાર માટે ખસેડવાની પેરવી કરી હતી. જોકે, તેમના ગામમાં એમ્બ્યુલન્સ કે અન્ય કોઇ વાહન આવી શકતું ન હોવાને કારણે તેમણે પિડીત યુવાનને ઝોળીમાં નાંખી દવાખાને લઇ જવાની કવાયત હાથ ધરી હતી. નોંધનિય છે કે, આ રીતે સમયસર સારવાર ન મળવાને કારણે વિસ્તારના કેટલાંય લોકોને પોતાના પ્રાણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે વહિવટી તંત્ર ગ્રામજનોની તકલીફોને ધ્યાનમાં લઇ તાત્કાલિક કોઇ પગલાં ભરે તેવી માગ સ્થાનિકોએ કરી હતી.