એવિએટર ગેમમાં વિમાન ઉડાવી કમાવવાની લાલતે પુત્રએ માતાના 7 લાખના દાગીના જ ઉડાવી દીધાં
ભરૂચ શહેરમાં બનેલો વિચિત્ર કિસ્સો
મોબાઇલમાં ગેમની લતમાં બાળકો આડારસ્તે કેવી રીતે જાય છે તેનું દ્રષ્ટાંત પુરૂ પાડતી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરમાં પતિથી અલગ રહી લોકોના ઘરે કામ કરીને બે સંતાનોનું જીવન નિર્વાહ કરતી મહિલાના ઘરમાંથી 7 લાખથી વધુની મત્તાના દાગીનાની ચોરીની ઘટના બની હતી. મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પુત્રએ જ એવિએટર નામની ગેમમાં વિમાન ઉડાવી રૂપિયા કમાવવાની લાલચમાં રૂપિયા ગુમાવતાં તેણે જ ઘરમાંથી દાગીનાની ચોરી કરી તેના એક મિત્રની દાદીને આપ્યાં હતાં. જે દાગીના ગિરવે મુકી મિત્રની દાદી પાસેથી તેણે રૂપિયા મેળવ્યાં હોવાની કેફિયત રજૂ કરી છે.
ભરૂચ શહેરમાં રહેતી એક મહિલા છેલ્લાં બે વર્ષથી તેના પતિથી અલગ અન્ય સ્થળે રહે છે. 20 વર્ષની પુત્રી અને 18 વર્ષના પુત્રનું જીવન નિર્વાહ કરવા માટે તે લોકોના ઘરે કામ કરીને તેમનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરમાં સેટી પલંગનું લોકર બગડી ગયું હોવા છતાં તેમણે તેમના દાગીના તેમાં રાખ્યાં હતાં. તેમણે બેન્કમાં લોકર ખોલીને દાગીના તેમાં રાખવાના હતાં. દરમિયાનમાં ગત 7મી એપ્રિલે તેઓએ બેન્ક લોકરમાં દાગીના મુકવા માટે તેમણે તેમની સેટી પલંગની અંદરના લોકરમાંથી દાગીના કાઢવા જતાં તેમાં દાગીના મળ્યાં ન હતાં. જેથી ઘરમાં ચોરી થયાનું જણાતાં તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ વી. યુ. ગડરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. વી. શિયાળિયાએ તપાસ શરૂ કરી હતી. મામલાની તપાસમાં ઉંડા ઉતરતાં ફરિયાદીના પુત્રએ જ દાગીનાની ચોરી કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.
તેમના પુત્રએ કબુલ્યું હતું કે, તેણે પહેલાં એક સોનાની વિંટી કાઢીને નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતાં તેના એક મિત્રની દાદી રમીલા મોહન પરમારને આપી હતી. ત્યારે રમીલાએ તેને એક એક દાગીના નહીં સામટા દાગીના લઇ આવવા કહેતાં તેણે તમામ દાગીનાઓની ચોરી કરી હતી. જે દાગીનારમીલાએ અલગ અલગ સોનીઓને ત્યાં ગીરવે મુક્યાં હતાં. જેના પગલે પોલીસે રમીલા પરમાર તેમજ અલગ અલગ સોનીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવતાં પોલીસ રૂપરૂમાં તેમણે દાગીના પરત કરી આપવાનું જણાવ્યું હતું. જોકે, તે પૈકીના અડધા દાગીના જ પરત કર્યાં હતાં. અને અન્ય 7 લાખના દાગીના અંગે ગલ્લા તલ્લા કરતાં પોલીસે મામલામાં ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.