મહિલા શિક્ષિકાના ઘરમાંથી 1.28 લાખની ચોરી
ચાવજની વૃંદાવન વિલા સોસાયટીમાં બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં ચાવજ ગામે પગુથણ જવાના રોડ પર આવેલી વૃંદાવન વિલા સોસાયટીમાં રહેતાં સંદિપ શાંતીલાલ પરમાર જોલવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવે છે. તેમની પત્ની દિપિકાબેન ભરૂચના એમજી રોડ પર આવેલાં સેન્ટ ઝેવિવર્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ગત 19મી માર્ચના રોજ સંદિપ પરમાર નિત્યક્રમ મુજબ સવારના દશેક વાગ્યે જોલવા તેમની નોકરીએ જવા ઘરેથી નિકળી ગયાં હતાં. જે બાદ તેમની પત્ની દિપિકાબેન પણ ઘરને તાળું મારી ભોલાવની નારાયણ વિદ્યાવિહાર સ્કૂલમાં ગયાં હતાં. સાંજે નોકરીએથી પરત આવીને તેમણે ઘરમાં જોતાં ઘરના ઉપરના માળે આવેલાં બેડરૂમનો દરવાજો ખુલ્લો હોઇ તેમણે રૂમમાં જઇ તપાસ કરતાં રૂમની સ્લાઇડર બારી ખુલ્લી હતી. તેમજ દિવાલ કબાટનું લોકર પણ તુટેલું હતું. જેથી તેમણે લોકરમાં તપાસ કરતાં તેમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.28 લાખથી વધુની ચોરી થઇ હોવાનું જણાતાં તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.