શિતલ સર્કલ, જ્યોતિનગર, તુલસીધામ, ઝાડેશ્વર ચોકડીનો કંપનીઓની બસનો રૂટ પુન: શરૂ કરવા સંદિપ માંગરોલાની રજૂઆત
મહિલાકર્મીઓની સુરક્ષા-સલામતી સહિત તેમને શારીરિક માનસિક અને આર્થિક નુકસાનનો મુખ્ય પ્રશ્ન
ભરૂચ.
પરીક્ષાને લઇને ભરૂચ શહેરમાં કંપનીઓની શિફ્ટની બસોની અવરજવર બંધ કરી માત્ર 7 સ્ટોપ પર જ કંપનીની બસોને ઉભી રાખવા માટેનું જાહેરનામું ફેબ્રુઆરી મહિનામાં પાડવામાં આવ્યું હતું. જોકે, તે બાદ પરીક્ષા પુર્ણ થઇ ગઇ હોવા છતાં જાહેરનામું રદ કરવામાં નહીં આવતાં કંપનીમાં અલગ અલગ શિફ્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદિપ માંગરોલાએ પત્ર લખી શિતલ સર્કલ, જ્યોતિનગર, તુલસીધામ, ઝાડેશ્વર ચોકડી સુધીનો રૂટ પુન: શરૂ કરવામાં આવે તેવી મહિલા કર્મીઓના હિતમાં રજૂઆતત કરી હતી.
ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા ટાણે ટ્રાફિક જેવી સમસ્યા ન સર્જાય તે માટે શહેરી વિસ્તારમાંથી જતી કંપનીઓની શિફ્ટની બસોના રૂટ બંધ કરી દેવાયાં હતાં. જેના બદલે શહેરના બાહ્ય રોડ પર અલગ અલગ 7 સ્થળે બસોને ઉભી રાખવા માટે પરવાનગી અપાઇ હતી. ઉલ્લેખનિય છે કે, હાલમાં ઝઘડિયા, પાનોલી, અંક્લેશ્વર તેમજ દહેજ સહિતની જીઆઇડીસીઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવવા જાય છે. જેમાં 20થી 25 ટકા મહિલા કર્મચારીઓ હોય છે. ત્યારે સવારે ફર્સ્ટ શિફ્ટમાં જવા મહિલાઓને વહેલી સવારે 4:30 વાગ્યેથી 5વાગ્યાના સમયગાળામાં પોતાની બસ પકડવા જવાનું હોય છે. જોકે, વહેલી સવારે કોઇ રિક્ષા મળતી નથી. અને મળે તો બમણું ભાડું માંગે છે. રાત્રે નાઇટ શિફ્ટમાં પણ આ પ્રકારની જ સ્થિતી હોય છે. હાલમાંબપોરના સમગે આગઝરતી ગરમીનો માહોલ હોય છે. ત્યારે આવા સમયમાં પણ તેમને તડકામાં લાંબુ અંતર કાપવું પડે છે. જેના કારણે તેમને શારીરિક, આર્થિક અને માનસિક નુકસાન વેઠવાનો આવે છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા કંપનીઓની બસનો પહેલાં જે રૂટ ચાલતો હતો તે રૂટ પુન: શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.