*દહેજની GFL કંપનીના મૃતકોને રૂ. 50 લાખનું વળતર આપવા સરકાર સમક્ષ માંગ કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા*
ભરૂચ દહેજ જીઆઇડીસી માં આવેલ જી એફ એલ કંપનીમાં ગેસ લીકેજ થવાના કારણે ચાર લોકોનું મૃત્યુ નીપજ્યું છે અને કેટલાક કામદારો ઘાયલ થયેલ છે જેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ ખાતે કામ કરતી કંપનીમાં તાત્કાલિક અસરથી કામગીરી સ્થગિત કરવા આ પ્રકારના બનાવો અટકાવવા માટે કડક કાર્યવાહી સહિતની માંગ સાથે આ સમગ્ર ઘટનાને વખોડી કાઢતું આવેદનપત્ર જિલ્લા કલેકટર સમક્ષ પાઠવ્યું છે.
અલેખીત આવેદન પત્રમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે તાજેતરમાં તા. 28 ના રોજ ભરૂચ જિલ્લામાં દહેજ જીઆઇડીસીમાં આવેલ ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ જીએફએલ માં ગેસ લીકેજની દુર્ઘટનામાં ચાર કામદારો નું બનાવ સ્થળે જ મૃત્યુ થયું છે, કંપનીઓ દ્વારા પર્યાવરણીય કાયદાઓ નું ઉલંઘન કરવામાં આવે છે, તેમજ સલામતીના ભાગરૂપે કંપનીમાં ઘોર બેદરકારી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે સલામતી પ્રોટોકોલ કરવામાં કંપની નિષ્ફળ ગઈ હોય તે સહિતનો ઉલ્લેખ તેઓએ આવેદનપત્રમાં કર્યો છે.
વધુમાં સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે માત્ર કંપનીમાં કામ કરતા કામદારો માટે જ સલામતી પ્રોટોકોલ નિશ્ચિત કરવા જરૂરી નથી, પરંતુ અહીં આસપાસ વસવાટ કરતા સમુદાય માટે પણ સલામતી પ્રોટોકોલ અત્યંત જરૂરી છે, જ્યાં સુધી કંપની સલામતી અને પર્યાવરણીય નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી આ તમામ કામગીરી કંપનીની સ્થગિત કરવી જોઈએ, સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ક્ષતિઓને ઓળખવા અને સુધારાત્મક પગલાની ભલામણ માટે પણ એક સ્વતંત્ર તપાસ સમિતિની આવશ્યકતા છે આ ઉપરાંત તેઓએ પીડિતો માટે પર્યાપ્ત વળતરની ખાતરી દરેક મૃતક કામદારના પરિવારજનોને રૂપિયા 50 લાખ નું વળતર ચૂકવવામાં આવે તેમ જ દરેક ઘાયલ કામદારને ડોક્ટરી સારવાર અર્થે અને પુનર્વસન માટે રૂપિયા 10 લાખ આપવામાં આવે આ પ્રકારના બનાવ ભવિષ્યમાં ન બને તે માટે કડક કાર્યવાહી પણ કરવી જરૂરી છે, તેવી કલેકટર સમક્ષ પાઠવેલ આવેદનમાં સરકાર સમક્ષ માંગ કરી છે, ઉપરાંત આ પ્રકારની દુર્ઘટનાઓને રોકવી જોઈએ પર્યાવરણ સરક્ષણ અધિનિયમ 1986, તેમજ ફેક્ટરી એક્ટ 1948, અને જોખમી કચરો (વ્યવસ્થાપન અને સંચાલન) ના નિયમો 1989 આ તમામ કાયદાઓમાં કરેલ જોગવાઈ મુજબ કામદારો અને આસપાસના લોકો માટે સલામતીના પ્રોટોકોલ ની જાળવણી કરવી જોઈએ જો આ પ્રકારના પ્રોટોકોલ ની જાળવણી કંપની દ્વારા કરવામાં આવતી ન હોય તો તાત્કાલિક અસરથી આવી કંપનીઓનું કામ સ્થગિત કરવું જોઈએ તેમ કલેક્ટર સમક્ષ માંગ કરી છે.