દાદર – અજમેર એકસપ્રેસ ટ્રેનને પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા મુસાફરોની માગ…
વડોદરા અને ભરૂચ વચ્ચે વાર્ષિક લાખો રૂપિયાની માતબર આવક ધરાવતા પાલેજ રેલવે સ્ટેશન પર દાદર – અજમેર સુપર ફાસ્ટ ટ્રેનને સ્ટોપ આપવા પાલેજ પંથકના મુસાફરો દ્વારા માગ ઉઠવા પામી છે. દાદર -: અજમેર ટ્રેનને પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવે તો પાલેજ સહિત આસપાસના વીસ જેટલા ગામોના લોકોને લાભ મળી શકે એમ છે. પાલેજ પંથકના મુસ્લિમ બહુમતી ધરાવતા ગામોના લોકો સમયાંતરે અજમેર શરીફ સ્થિત વિશ્વ વિખ્યાત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની દરગાહ શરીફ પર જિયારત માટે જતા હોય છે. અજમેર શરીફ જવા માટે પાલેજ પંથકના મુસ્લિમ સમુદાયના લોકોને ભરૂચ અથવા વડોદરાથી ટ્રેનમાં જવું પડે છે. જેના કારણે સમય અને નાણાંનો પણ વ્યય થાય છે.
પાલેજમાં મારવાડી સમાજના લોકો તેમજ રાજસ્થાની કારીગરો પણ વસતા હોય તેઓને પોતાના વતન રાજસ્થાન જવા માટે સીધી ટ્રેનની સુવિધા ન હોવાના કારણે મુશ્કેલી પડી રહી છે. પાલેજ રેલવે સ્ટેશન પર દાદર – અજમેર ટ્રેનનું સ્ટોપ આપવામાં આવે તો પાલેજ રેલવે સ્ટેશનની આવકમાં પણ વૃદ્ધિ થઇ શકે એમ છે. છેલ્લા ઘણા વર્ષોથી પાલેજ રેલવે સ્ટેશન પર દાદર – અજમેર ટ્રેનના સ્ટોપેજ માટે ઉચ્ચ કક્ષા સુધી રજુઆત કરાઇ છે. પરંતુ હજુ સુધી પાલેજને દાદર અજમેર ટ્રેનનું સ્ટોપેજ મળ્યું નથી. તો રેલવે તંત્ર દ્વારા પાલેજ રેલવે સ્ટેશન પર દાદર અજમેર ટ્રેનનું સ્ટોપ આપવામાં આવે એવી પાલેજ પંથકના મુસાફરો દ્વારા પ્રબળ માગ ઉઠવા પામી છે…
:- યાકુબ પટેલ..પાલેજ…