હાંસોટ તાલુકાના કંટીયાજાળ સહિતના વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત ઉભી કરવા માટે સરકારની પહેલ પરંતુ ફાઈલ હજુ આગળ સુધી પહોંચી જ નથી…
=> ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે વેબસાઇટ પર ડિમાન્ડ સર્વે ની શરૂઆત કરી એને પણ વર્ષો વીત્યા…
=> હાંસોટ ખાતે ઔધોગિક વસાહત સ્થપાય તો અનેક ફાયદાઓ…
હાંસોટના કંટીયાજાળ પાસે જીઆઇડીસી ઉભી કરવા અંકલેશ્વર ઉદ્યોગકારો દ્વારા માંગ કરવામાં આવી હતી જેને સફળ પ્રતિસાદ મળતો હોય એમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા આ અંગે ડિમાન્ડ શ્રેણીની શરૂઆત કરવામાં આવી હતી. જોકે કરમની કઠણાઈ એ છે કે ફાઈલ હજુ સરકારી કાવા દાવામાં અટવાઈ જ રહી છે અને આગળ સુધી પહોંચી નથી.
નોંધનીય છે કે અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી મળીને ૨૦૦૦થી વધુ એકમો કાર્યરત છે પરંતુ અનેક સમસ્યાઓને લઈને આ વિસ્તારનો ઓદ્યોગિક વિકાસ અટક્યો છે. આ વિસ્તારના જ અનેક એકમોએ પોતાના નવા એકમો અન્ય વિસ્તારોમાં ટ્રાન્સફર કર્યા છે. અન્યોએ પણ તે તરફ જવાના આયોજનો કરી દીધાં છે. કાયદા મુજબ એકમોને પરવાનગીઓ નહીં મળવાના કારણે પર્યાવરણના અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેને લઇને ઉદ્યોગપતિઓએ અગાઉ પણ સરકારને રજૂઆત કરી હતી કે હાંસોટ પાસે જે વેસ્ટલેન્ડ છે ત્યાં ઉદ્યોગો સ્થાપવાની મંજૂરી મળે તો અનેક પ્રશ્નોનો તાત્કાલિક હલ થઈ જાય એમ છે.
હાંસોટ નજીક જે કોસ્ટલ એરિયા છે ત્યાં નવા કેમિકલ હબ સહીતના અનેક ઉદ્યોગો સ્થાપી શકાય તેમ છે. જે અંગે અગાઉ વિધાનસભા સત્ર વખતે રજુઆત કરી હતી. જેમાં 150થી વધુ ઉદ્યોગો સંયુક્ત રીતે સ્થાપવાની બાંહેધરી આપી વિચાર કરશે તેવી વાત બાદ સ્થાનિક ઉદ્યોગોએ સહમતિ આપી હતી. ઉદ્યોગમંડળોએ કંટીયાજાળ નજીક નવી જીઆઇડીસી ઉભી કરવા માગ કરી હતી. કોસ્ટલ એરિયા હોવાને લઇ અહીં પોર્ટ સહીત અનેક ઉદ્યોગો વિકસી શકે તેમ છે.
ઉદ્યોગો દ્વારા અંકલેશ્વર તેમજ ઝઘડિયા અને પાનોલી ઉદ્યોગ મંડળે પણ આ અંગે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રજૂઆત કરી હતી આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ બાબતે બાંહેધરી આપી હતી એનો પ્રતિસાદ હજુ સુધી સાંપડયો નથી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની કચેરીએ આ અંગે ડિમાન્ડ સર્વે ઓનલાઇન શરૂ કર્યો હતો જેમાં હાંસોટની ખરાબાની તેમજ ખારપાટની જમીનમાં ઉદ્યોગ સ્થાપવા માંગતા ઇચ્છુક ઉદ્યોગસાહસિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે લાંબો સમય વીતી જવા છતાં ઉદ્યોગસાહસિકો આ તકની હજુ પણ રાહ જોઈ રહ્યા છે.
નોંધનીય છે કે હાંસોટ તાલુકાના દરિયા કિનારાના વિસ્તારોમાં સરકારી જમીન પણ છે. જેમાં ખેતી થઈ શકે એમ નથી. એવી ઘણી જમીનો હાંસોટ તાલુકાના અંભેટા, પારડી, વાંસનોલી, બાડોદરા, કંટીયાજાળ, આંકલવા, બાલોટા, ઇલાવ, કતપોર સહિતના ગામોમાં છે અને દરિયા પાસેની જમીન હોવાથી ત્યાં ઉદ્યોગો સ્થાપી શકાય એમ છે વળી આ વિસ્તાર કીમ ખાડી પાસે જ છે જે ઉદ્યોગો માટે અત્યંત સુલભ છે. કારણ કે ઉદ્યોગોમાંથી નીકળતું ગંદુ પાણી અત્યારે 11 km ની લાઈનમાંથી હાસોટ સુધી પહોંચે છે જે સીધું આ ઉદ્યોગો સ્થપાય તો સીધું દરિયામાં પહોંચી શકે.
અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ જશુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે ફરી આવી અંગે રજૂઆત કરી છે સરકારે બાહેધરી આપી હતી પરંતુ હજુ સુધી એ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી પણ અમે ફરી હવે રજૂઆત કરવાના છીએ કારણ કે ત્યાં ઉદ્યોગો સ્થપાય તો સરકારને પણ એટલો જ ફાયદો છે અને ઉદ્યોગોને પણ અને એ જગ્યા એવી છે કે જ્યાં દરિયાઈ જીવ સૃષ્ટિ જોખમમાં નથી આવતી. સાથે જ સ્થાનિકોને પણ રોજગારીનો ફાયદો જરૂર મળે. એટલે આ દિશામાં અમે પ્રયત્નશીલ છીએ.
જો હાંસોટ પંથકમાં ઔદ્યોગિક વસાહત સ્થપાય તો અનેક ફાયદો સ્થાનિક રહીશોને તેમજ ઉદ્યોગોને પણ મળી શકે એમ છે ત્યારે આ કામગીરી ઝડપથી આગળ વધે એવી વ્યાપક માંગ ઉદ્યોગકારોમાં ઉઠી રહી છે.