ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ તેમજ સસ્ટેનેબિલિટી, ટેક્નોલોજી અને ઇનોવેશ ક્ષેત્રે ભવિષ્યના કર્મચારીઓને તૈયાર કરવા યુપીએલની પ્રતિબદ્ધતા
યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે 340થી વધુ સ્નાતકોની સિદ્ધિઓની ઉજવણી
અંકલેશ્વર, 17 ઑક્ટોબર 2024: યુપીએલ ગૃપ તેની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ટકાઉપણું (સસ્ટેનેબિલિટી), ટેક્નૉલૉજી અને નવીનતા (ઇનોવેશન) પર ખાસ ભાર સાથે ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ પ્રદાન કરવા માટે સમર્પિત છે, જે હજારો વ્યક્તિઓને તેમની કારકિર્દી અને જીવન ઘડવામાં મદદ કરે છે.
સતત બીજા વર્ષે, યુપીએલ યુનિવર્સિટીએ દીક્ષાંત સમારોહમાં 340થી વધુ સ્નાતકોની સિદ્ધિઓની ઉજવણી કરી હતી. તેની વિવિધ શૈક્ષણિક પહેલો દ્વારા યુપીએલનો ઉદ્દેશ્ય રાસાયણિક ટેકનોલોજી અને પર્યાવરણીય વિજ્ઞાન જેવા ઉદ્યોગો જે વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યાં છે, તેને પહોંચી વળવા જ્ઞાન, કૌશલ્ય અને નૈતિક માનસિકતાથી સજ્જ ભાવિ મેનેજર્સ-નેતાઓને તૈયાર કરવાનો છે.
જૂન 2021માં સ્થપાયેલી યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી પ્રતિબદ્ધતાની દીવાદાંડી તરીકે ઉભી છે અને રાસાયણિક ટેકનોલોજી, પર્યાવરણીય વિજ્ઞાન અને સસ્ટેનેબલ ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવે છે.
યુપીએલના ઉપાધ્યક્ષ શ્રીમતી સાન્દ્રા શ્રોફ, જીઆરપી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેન્દ્ર ગાંધી અને યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંજવાણી, રોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવે તેમજ ગવર્નિંગ બોડીના આદરણીય સભ્યોએ આ ઉજવણીમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે ડિગ્રી મેળવનારા 92 અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે એક ગર્વની ક્ષણ પણ હતી અને હાલમાં યુનિવર્સિટીમાં તેમના સંશોધન કરી રહેલા 70થી વધુ પીએચડી સંશોધનકારોના યોગદાનની નોંધ લેવામાં આવી હતી.
યુપીએલના વિઝન વિશે બોલતા યુપીએલના વાઇસ ચેરમેન શ્રીમતી સાન્દ્રા શ્રોફે જણાવ્યું હતું કે, “યુપીએલ ખાતે અમારું વિઝન વ્યાપારી સફળતાથી પણ ઘણું વધારે છે. અમે સકારાત્મક તેમજ સ્થાયી પરિવર્તનના ઉત્પ્રેરક બનવા, સમુદાયોનું સશક્તિકરણ કરવા અને તમામને શિક્ષણની લાભદાયી તકો પૂરી પાડવાવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ. સામાજિક પ્રભાવ પાડે એવી પહેલોનું દ્રષ્ટિકોણ વ્યાપક છે – દરેક પહેલ વધુ સમાવિષ્ટ અને સમૃદ્ધ સમાજ બનાવવાની દિશામાં એક પગલું છે. યુપીએલ યુનિવર્સિટી આ મિશનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને શિક્ષણ તેમજ ઇનોવેશન મારફતે ભવિષ્યને આકાર આપે છે. આ દીક્ષાંત સમારોહ નેતાઓની આગામી પેઢીને તૈયાર કરવા માટેની અમારી સતત પ્રતિબદ્ધતાનું ગૌરવપૂર્ણ પ્રતિબિંબ છે.”
જીઆરપી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેન્દ્ર ગાંધીએ જણાવ્યું હતું કે, “હું યુપીએલ યુનિવર્સિટી સાથે તેની શરૂઆતથી જ જોડાયેલો છું, અને આવતીકાલને ઘડનારા સક્ષમ લોકોને તે કેવી રીતે પોષે છે તે જોઈને મને ગર્વ થાય છે. ટેક્નોલોજી અને ઇનોવેશન પર ભાર મુકીને બધા માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે યુપીએલની પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે.”
વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંજવાણીએ જણાવ્યું હતું કે, “આ સ્નાતકોની સિદ્ધિઓ ટકાઉ ભાવિ બનાવવા માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ પ્રદાન કરવાના અમારું મિશન પ્રતિબિંબિત કરે છે. સ્થાપના થઈ ત્યારથી યુપીએલ યુનિવર્સિટી આ વિસ્તારમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ટકાઉપણાના શિક્ષણનું કેન્દ્ર બની ગઈ છે. શૈક્ષણિક વર્ષ 2023-24માં જ 950થી વધુ વિદ્યાર્થીઓ નોંધણી સાથે સંસ્થામાંથી 2,000થી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક થયા છે. શિક્ષણ અને ટકાઉ વિકાસ દ્વારા સમુદાયોના વિકાસના યુપીએલના વ્યાપક વિઝનને મજબૂત કરવા તેમજ વ્યાવસાયિકોની આગામી પેઢીને તૈયાર કરવામાં યુનિવર્સિટી નિર્ણાયક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.”
શિક્ષણમાં યુપીએલનું મૂડીરોકાણ આ યુનિવર્સિટી ઉપરાંત ઘણા ક્ષેત્રોમાં છે. સાન્દ્રા શ્રોફ જ્ઞાન ધામ સ્કૂલ, સાન્દ્રા શ્રોફ કૉલેજ ઑફ નર્સિંગ અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ જેવી સંસ્થાઓ દ્વારા યુપીએલ સમુદાયના સર્વાંગી વિકાસ માટે સક્રિયપણે શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપી રહી છે.
આ ઉપરાંત યુપીએલે અંકલેશ્વર, ઝગડિયા અને વાપી ક્લસ્ટર્સમાં મહિલાઓ માટે 153થી વધુ સ્વ-સહાય જૂથોની રચના કરી છે. વસ્ત્રો, અગરબત્તી, આર્ટિફિશિયલ જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ, ટેલરિંગ, કાજુ પ્રોસેસિંગ જેવા લઘુ એકમોમાં કામ કરતા 2,115થી વધુ લોકો તેના સભ્ય છે. કંપનીએ નાણાંકીય સમાવેશિતાને પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે સ્વ-સહાય જૂથોમાં રૂ. 1.12 કરોડથી વધુની સંચિત બચત થઈ છે.
યુપીએલે વિવિધ સ્થાનિક જરૂરિયાતો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર પણ ધ્યાન આપ્યું છે અને અંકલેશ્વરના ગામડાંઓના વિકાસ માટે અનેક પગલાં લીધાં છે. તેણે 20થી વધુ ગામોમાં 600થી વધુ ખેડૂતોની આવકના સ્ત્રોતનું વૈવિધ્યકરણ કરવા અને કૃષિ સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે પશુપાલન અપનાવવામાં મદદ કરી રહ્યું છે. યુપીએલે પશુ સંભાળ સેવાઓમાં સુધારો કરવા અને પશુઓની દૂધ ઉત્પાદકતા વધારવા માટે પણ પગલાં ભર્યાં છે.
આ ઉપરાંત યુપીએલએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝગડિયા અને દહેજ તાલુકાની આસપાસના ઘણાં ગામડાઓમાં સ્થાનિક માળખાકીય સુવિધાઓમાં સુધારો કર્યો છે.