ભરૂચ જિલ્લામાં ભાડભૂત નર્મદા કિનારે શાંતિપૂર્ણ માહોલમાં વિધ્નહર્તાની 403 પ્રતિમા વિસર્જિત કરાય
ભરૂચ જિલ્લામાં ઠેર – ઠેર ભક્તિ ભાવપૂર્વક દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આસ્થા પૂર્વક વિઘ્નહર્તાની પ્રતિમાનું શહેરીજનો વિસર્જન માટે ભાડભૂત નર્મદા નદી કિનારે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસર્જન માટેના ઉત્તમ સાધનો ગોઠવણની વ્યવસ્થા કરાઈ હતી, આ તકે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સ્ટાફને પણ તેનત કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં પોલીસ અધિક્ષક તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાડભૂત નર્મદા નદી કિનારે શાંતિપૂર્ણ માહોલમાં દુંદાળા દેવનું વિસર્જન થાય તે માટે સંપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તા. 17/9/ 2024 થી 18/9/ 2024 સવારે 9:30 કલાક સુધી વિસર્જન ની પ્રક્રિયા ભાડભૂત નર્મદા નદી કિનારે ઓવારા ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 3 મોટી ક્રેન તથા 4 બોટ તંત્ર દ્વારા ગણેશની પ્રતિમા ના વિસર્જન માટે મૂકવામાં આવેલ હતી , જેમાં દુંદાળા દેવની કુલ 203 મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું, તેમજ 200 જેટલી નાની પ્રતિમાઓ ને પણ વિસર્જિત કરાઈ હતી અહીં ભાડભૂત નર્મદા નદી કિનારે ઓવારા ખાતે કુલ ગજાનનની 403 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ભાડભૂત ગામે ગણપતિ વિસર્જન દરમિયાન કોમી એકતા ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે જુદા જુદા પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ને પણ કામગીરી સોંપવામાં આવી હતી , જેમાં નાયબ પોલીસ અધિક્ષક પી. એલ. ચૌધરી જંબુસર વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ મિલન મોદી તેમજ 5 પી.આઇ., 4 પીએસઆઇ તેમજ એલસીબી એસઓજીની ટીમ સહિત 8 જુદા જુદા પોલીસ નિષ્ણાત તથા એસઆરપી 03 સેક્શન હોમગાર્ડ જીઆરડી જવાન સહિત 85 કર્મચારીઓ અને 44 સ્વયંસેવકો પોલીસ બંદોબસ્ત માં હાજર રહ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંનેના સુપેરે સહયોગ દ્વારા સમગ્ર ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું , તેમ જિલ્લા પોલીસ અધિક્ષકની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.