અતિવૃષ્ટિ પરિસ્થિતિ બાદ નાગરિકોના આરોગ્યની કાળજી લેતું જિલ્લા આરોગ્ય વિભાગ
રોગચાળો ફેલાતો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પૂરજોશમાં કામગીરી હાથ ધરાઇ
આરોગ્ય વિભાગની ૪૯૦ જેટલી મેડિકલ ટીમ દ્વારા ૮૨૧૦૯ લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો
ભરૂચ – શનિવાર – ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યાની સ્થિતિ બાદ રોગચાળો ફેલાયો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે.એસ. દુલેરાના જણાવ્યા અનુસાર જિલ્લા આરોગ્ય વિભાગ નાગરિકોની સલામતી માટે પૂરજોશમાં કામ કરી રહ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની કુલ ૪૯૦ જેટલી મેડિકલ ટીમ દ્વારા ૮૨૧૦૯ લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આગામી દીવસોમાં આરોગ્યલક્ષી કામગીરી ચાલુ જ રહેશે અને ભરૂચ જિલ્લાના તમામ ગામો કવર કરશે. આરોગ્યલક્ષી કામગીરી અંર્તગત જરૂરીયાત જણાતા સ્થળો પર ૪૦૯ જેટલા ઓ.આર.એસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ૬૨૩૯ ફ્લોરિન ટેબ્લેટનું વિતરણ તથા ૫૩૭ ફ્લોરિન ટેસ્ટ્ કરવામાં આવ્યા છે. જિલ્લાના અનેક સ્થળો પર સ્વચ્છતાલક્ષી કામગીરી યુદ્ધ ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. તથા અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં નાગરિકોને આરોગ્ય લક્ષી તમામ સુવિધાઓ મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા અનેક સ્થળોએ કેમ્પ કરવામાં આવ્યા હતા. તે સાથે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહેલી કામગીરી પણ સરાહનિય છે.
જિલ્લાના નાગરિકોને આરોગ્ય લક્ષી કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો ત્વરિત નજીકના આરોપ કેન્દ્રો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અનુરોધ કરાયો છે.