ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબી રેખા નીચેના લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.
આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહેશે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.
જેના ભાગરૂપે આજરોજ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે 20 જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન ભારત યોજના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન મક્તમપુર વોર્ડ નં. ૬ના નગરસેવક હેમુબેન પટેલ, સામાજિક કાર્યકર દિપક મિસ્ત્રી તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.