જામનગર જિલ્લાના એમ.ડી.મહેતા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે “રાષ્ટ્રીય અવકાશ દિવસ” ની ઉજવણી કરાઈ
ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત એમ.ડી.મહેતા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોલ દ્વારા બાળકો અવકાશીય ઘટનાઓ વિશે જાણતા થાય તેમજ તેમાં રસ કેળવે એ ઉદ્દેશથી “રાષ્ટ્રીય અવકાશ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તમામ બાળકોને વિવિધ ટેલિસ્કોપ, લોન્ચ વ્હીકલ વિશેની માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ બાળકોએ પેપર સેટેલાઈટ તૈયાર કર્યું હતું. ખગોળ વિજ્ઞાન તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓએ અને શિક્ષકોને વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવી હતી. જેમાં તજજ્ઞ કિરીટભાઈ વ્યાસ દ્વારા “તારાની ઉત્પતિ અને મૃત્યુ” તેમજ કિરીટભાઈ શાહ દ્વારા “અખિલ બ્રમ્હાંડ” વિષયો પર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમને અંતે બાળકો માટે કવીઝ સેશનનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં 150 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો, સમગ્ર કાર્યક્રમના સંચાલન માટે સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા અને પ્રોગ્રામ ઓફિસર સંજયભાઈ પંડયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ એમ.ડી.મહેતા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા જણાવાયું છે.