* જામનગરના શિક્ષકનું બાળસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી*
જામનગરના શિક્ષક અને ઉત્તમ બાળસાહિત્યના સર્જક શ્રી કિરીટ ગોસ્વામીને વર્ષ ૨૦૨૨માં ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું!’ પુસ્તક માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે.ઉપરાંત, ગુજરાત સાહિત્ય એકેદમી, સાહિત્ય પરિષદ, બાળસાહિત્ય એકેદમી, અતુલ્ય ભારત, અંજુ -નરશી વગેરે જેવા અનેક સન્માનોથી તેઓ સન્માનિત થયેલ છે.ત્યારે ફરી એક વખત આ સર્જક માટે રાષ્ટ્રીય પુરસ્કારની ઘોષણા થતા સમગ્ર જામનગરના ગૌરવમાં વધારો થયો છે.
તાજેતરમાં ‘ બાલવાટિકા’ સામયિક ( રાજસ્થાન) દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પુરસ્કાર જાહેર થયા.જે અંતર્ગત કિરીટ ગોસ્વામીને બાળસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ ‘ડૉ.અનંત ઓઝા સ્મૃતિ બાળસાહિત્ય પુરસ્કાર’ એનાયત કરવાની જાહેરાત થઈ છે. ભારતભરનાં વિવિધ રાજ્યોમાંથી બાળસાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરતા હોય તેવા ૧૩ બાળસાહિત્યકારોની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.જેમાં ગુજરાતમાંથી કિરીટ ગોસ્વામીની પસંદગી થઇ છે.આ પુરસ્કાર આગામી ઑક્ટોબર માસમાં ભીલવાડા (રાજસ્થાન) ખાતે યોજાનાર રાષ્ટ્રીય બાળસાહિત્ય સંગોષ્ઠિ-૨૦૨૪ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે.
કિરીટ ગોસ્વામીની કલમે ગુજરાતી બાળસાહિત્યના એક નવા યુગનો પ્રારંભ થયો એમ કહીએ તો પણ ચાલે.આધુનિક બાળકોની પસંદ-નાપસંદ અને મનોજગતનું ચિત્રણ કરતી કિરીટ ગોસ્વામીની કલમે બાળભોગ્ય એવા પચીસથી વધારે પુસ્તકો આપ્યાં છે.માત્ર પુસ્તક લખીને જ સંતોષ ન માનનાર આ ‘આધુનિક ગિજુભાઇ’ ગુજરાત આખાની પ્રાથમિક શાળાઓમાં બાળગીત અને બાળવાર્તાઓનો ગુલાલ કરવા દરેક ગુજરાતી બાળક સુધી પહોચે છે અને બાળસાહિત્યનો આનંદ વહેંચવા હોંશભેર ફરતા રહે છે.
ઉલ્લેખનિય છે કે કિરીટ ગોસ્વામીએ ટૂંક સમયમાં જ સત્વશીલ એવા દશેક બાળગીત સંગ્રહો આપ્યાં છે. જેમાં ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું!’, ‘હાથીભાઇની સ્કૂલ’, ‘ચાંદામામા ફોન કરે’ વગેરેનો સમાવેશ થાય છે. તો ‘મૂછ બડી કે પૂંછ?’ ,’હાથીભાઇ તો હેન્ડસમ!’, ‘જિરાફભાઇની પેન્સિલ’ જેવા આધુનિક બાળકોને તરત ગમી જાય એવી; પરંપરાને તોડયા વિના, નવી ફેન્ટેસીભરી બાળવાર્તાઓનાં આઠેક પુસ્તકો તેમણે આપ્યાં છે.આ ઉપરાંત, હિન્દી બાળગીતસંગ્રહ ‘હાથીરાજા સ્કૂલ ચલે’ પણ તેઓએ આપ્યો છે.
બાળસાહિત્ય અને બાળકો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર કિરીટ ગોસ્વામીને ફરી એક વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળી રહ્યો છે એ ગુજરાતી બાળસાહિત્ય જગત માટે ખરેખર આનંદ અને ગૌરવની બાબત છે.