ભરૂચમાં ખૂબ નાની વયમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બાળકી દુર્વા મોદીએ 365 દિવસમાં 365 વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂર્ણ કરતા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ પર કલેકટર તુષાર સુમેરા દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું
ખૂબ નાની વયથી સેવાકીય ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનાર ભરૂચની સંસ્કાર ભારતી શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી 10 વર્ષીય બાળકી દુર્વા મોદીએ આજથી બરાબર એક વર્ષ પૂર્વે એટલે કે તારીખ 15 ઓગસ્ટ 2023માં એક સંકલ્પ લીધો હતો.નાની બાળકીનો સંકલ્પ મોટો હતો પણ બરાબર એક વર્ષ બાદ આ સંકલ્પ સાકાર થયો છે.દુર્વા મોદીએ ગત સ્વાતંત્ર્ય પર્વ પર 365 દિવસમાં 365 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હતો.સમગ્ર વર્ષ દરમ્યાન દુર્વા મોદીએ બોરભાઠા, માંડવા, દૂધધારા ડેરી, જે.પી કોલેજ અને નર્મદા કિનારે કુલ 365વૃક્ષારોપણ કરતા તેનું વહીવટી તંત્ર દ્વારા હાંસોટ ખાતે યોજાયેલ ભરૂચ જિલ્લાકક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વ પર સન્માન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સન્માનપત્ર આપી દુર્વા મોદીનું સન્માન હતું.દુર્વા મોદીએ માત્ર વૃક્ષ વાવવાનો જ નહીં પરંતુ તેના જતનનો પણ સંકલ્પ લીધો હતો જે પરીપૂર્ણ થતા તેનું સન્માન કરી વહીવટી તંત્રએ બાળકીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે અંક્લેશ્વની કન્યાશાળામાં 40 બાળકીઓના પરિવાર સ્કૂલ ફી જમા કરાવી શકયા ન હતા. આ બાબતે દુર્વાએ ડોનેશન બોક્સ બનાવી રોડ ઉપર ફરી 1 મહિનામાં 40 વિદ્યાર્થીઓની એક નહીં પરંતુ 2 વર્ષની ફીની રકમ એકઠી કરી શાળાને સોંપી બાળકોને અભ્યાસને અસર ન પડે તે માટે વચન લીધું હતું. આ ઉપરાંત કોરોના કાળમાં દિવસો સુધી વેપાર રોજગાર ઠપ્પ રહ્યા હતા. દુર્વાએ ટીવીમાં નિર્વસ્ત્ર બાળકોને જોયા હતા. શાળા અને મિત્રોનું ગ્રુપ બનાવી દરેક બાળકના ઘરેથી નવા કપડાં, ચોકલેટ અને ભાવતા ભોજનની ભેટ એકઠી કરી ભરૂચ SOGની મદદથી 100થી વધુ બાળકોને આ ભેટ આપવામાં આવી હતી.આ સહિતની સેવાકીય પ્રવૃત્તિ દુર્વા મોદીએ કરી છે