જામનગર જિલ્લા કક્ષાના 75માં વનમહોત્સવની કાલાવડ ખાતે ઉજવણી કરાઇ
જામનગર જિલ્લા કક્ષાના 75માં વનમહોત્સવની ઉજવણી કાલાવડ તાલુકાની જે.પી.એસ સ્કૂલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગલચરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પર્યાવરણની જાળવણી કરનાર પ્રકૃતિ પ્રેમીઓનું સમ્માન કરવામાં આવ્યું હતું. બાદમાં શાળાના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને વિનલમૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મહાન સપૂત અને દીર્ધદ્રષ્ટા સ્વ. કનૈયાલાલ મુનશીજીએ ગુજરાતમાં સૌપ્રથમ વનમહોત્સવની શરૂઆત કરાવેલ હતી. તે સમયથી વૃક્ષોના પર્વ એવા વનમહોત્સવની ઉજવણી ચાલુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે “એક પેડ માં કે નામ” અભિયાનની શરૂઆત કરાવી દરેક વ્યક્તિને માતાના નામથી વૃક્ષારોપણ કરી તેનું જતન કરવા અપીલ કરી હતી. જેથી આપણે સૌએ આપણી માતાના નામે એક વૃક્ષ વાવી આ અભિયાનમાં સહભાગી થવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે લોકોને રોપ ઉછેર માટેના રોપા નજીવા દરે મળી રહે તે માટે ચાલુ વર્ષે વનમહોત્સવ દરમિયાન જામનગર જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 7 ખાતાકીય નર્સરી તથા 32 વિકેન્દ્રિત પ્રજા નર્સરીઓમાં અંદાજિત 18 લાખ જેટલા રોપાઓ વિતરણ તથા વાવેતર માટે ઉછેરવામાં આવ્યા છે. તેમજ ચાલુ વર્ષે જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 198 હેક્ટરમાં વાવેતર કરવામાં આવી રહેલ છે. હરિત વસુંધરા યોજના હેઠળ પંચરત્ન ગ્રામ વાટિકા મોડેલ હેઠળ 15 ગામોમાં 50-50 રોપાઓનું ટ્રીગાર્ડ સાથે વાવેતર કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રમેશભાઈ મૂંગરા, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગોમતીબેન, કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રિકાબેન પાનસુરીયા, જામનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક આર. ધનપાલ, સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકાના નાયબ વન સંરક્ષક અરુણકુમાર, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, ધ્રોલ રેન્જ ફોરેસ્ટ ઑફિસર ડી.એચ.સોરઠિયા દ્વારા સ્વાગત પ્રવચન તેમજ ડી.એમ. દાફડા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન હરીદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.