જામનગરમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
જામનગરમાં જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના 13 ગામો જેમાં ભોજાબેડી, ગોરધનપર, નપાણીયા ખીજડીયા, મોટા વડાળા, ધુતારપર, મોટી નાગાઝર, રાજડા, જીવાપર, મુરીલા, બાડા, રાવલસર, નાની ભગેડી અને મોડપરમાં સબ ફેઝ મોનો પંપ સેટ, જરૂરી એસેસરીઝ, પેનલ બોર્ડ, કેબલ, હેન્ડ પંપ અને પાઈપ આપવાની કામગીરી અંગે સૈદ્ધાંતિક મંજૂરી આપવાની ચર્ચા વિચારણા કરી તમામ ગામોને મંજૂરી અપાય હતી.
આ બેઠકમાં તેમજ મોટી વેરાવળ, કાનાલુસ અને મોટા ઈટાળા ગામે બોર, પાઈપલાઈન, પંપ હાઉસની કામગીરી અંગે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર એ સમિતિના તમામ સદસ્યોને બાકી રહેતા કામો પૂર્ણ કરવા અંગે સુચના આપી હતી.
આગામી સમયમાં જે- તે કર્મચારીઓ તાલુકા કક્ષાએ જ તાલીમ મેળવી શકે તે હેતુથી જિલ્લાના વિવિધ ગામોમાં પાણી પુરવઠા, જાહેર સ્વછતાની કામગીરી સુચારુ રીતે થાય તે માટે ”સ્કિલ મેન પાવર વર્કશોપ” નું આયોજન કરવામાં આવશે. જેમાં ”જલ જીવન મિશન” અંતર્ગત પૂર્ણ થયેલ યોજનાઓનું સંચાલન, જાળવણી અને મરામત, ગ્રામ્ય સ્તરે પાણી સમિતિની રચના, પાણી લીકેજ રીપેરીંગ, મોટર મિકેનિકલ વર્ક, વાલ્વ રીપેરીંગ, પાણીવેરાની કામગીરી, ખર્ચનું ઓડિટ, પાઈપલાઈન ફિટિંગ જેવી વિવિધ કામગીરી વિશે વાસ્મો સમિતિ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સંલગ્ન કર્મચારીઓ અને સ્વૈચ્છિક ઉમેદવારોને વિવિધ તાલીમ આપવામાં આવશે. તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપ અને ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાના સુચારુ સંચાલન માટે ગ્રામ્ય કક્ષાએથી સભ્યોની યાદી મંગાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, વાસ્મો યુનિટ મેનેજર ભાવિકાબા જાડેજા તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.