*જામનગરના સિક્કા ખાતે રૂ.30 લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
જામનગર તા.03
જામનગર જિલ્લાના સિક્કામાં સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિક્કા ખાતે સીટી સિવિક સેન્ટ ને રૂપિયા 30 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે ,જે કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો સિક્કા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.આ સિટી સિવિક સેન્ટરના માધ્યમથી સિક્કાના નાગરિકોને 13 જેટલી સરકારી સેવાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણી હતી કે અહીં સ્થાનિક કક્ષાએ જ સિવિક સેન્ટર ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી લોકોને જામનગર સુધી દૂર જવું ન પડે.ત્યારે સરકારે આ માંગણીનો સ્વીકાર કરી આ સુવિધા હવે અહીં ઉપલબ્ધ કરાવતા લોકોનો સમય અને ખર્ચો બચશે. લોકોની નાનામાં નાની જરૂરિયાત પૂરી થાય તેની આ સરકાર કાળજી રાખે છે અને જન જન ની સુખાકારી વધે તે માટે સરકાર કટિબદ્ધ છે.નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા નાણાંની ફાળવણી કરવામાં આવી રહી છે.
કાર્યક્રમ અંતર્ગત પી.એમ.સ્વનિધી યોજનાના લાભાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભો અર્પણ કરાયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેટર બી.કે.પંડ્યા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, પ્રાંત અધિકારી કાલરીયા, નગરપાલિકા પ્રમુખ રાજીબેન પરમાર, કુમારપાલસિંહ રાણા, દેવુભાઈ ગઢવી, પ્રદીપસિંહ જાડેજા, નગરાલિકાના સદસ્યો સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.