ભરૂચ નજીક આવેલ આ પવિત્ર યાત્રાધામ ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે. પ્રાચીન શાસ્ત્રોમાં નદીઓને પૂજનીય સ્થાન અપાયું છે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી થાય છે. પાવન સલિલા માં નર્મદાના કિનારે આવેલ નારેશ્વર તીર્થ માત્ર ગુજરાત જ નહિ પરંતુ મહારાષ્ટ્રમાં પણ જાણીતું બન્યું છે. આ ધામનું નામ સ્મરણમાં આવે એટલે દત્તાત્રેય ભગવાન, અહીંના સંત પૂજ્ય રંગ અવધૂત મહારાજ, દત્ત બાવનીનું સ્મરણ થઇ જાય. કહેવાય છે કે સંત શ્રી રંગ અવધૂત મહારાજ સન 1030ની આસપાસ અહીં ધ્યાન માટે આવ્યા હતા. સંત શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ આમ તો ગોધરા ખાતે થયો હતો. મૂળ વ્યવસાયે શિક્ષક એવા રંગ અવધૂત મહારાજે પોતાનું જીવન સમાજ કલ્યાણ માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું અને પ્રભુ ભક્તિમાં લિન થવા માટે તેઓ ધ્યાન માટે સુયોગ્ય જગ્યાની શોધમાં હતા. તેઓ ફરતા ફરતા આ સ્થાને આવ્યા ત્યારે તેઓએ જોયું કે એક સાપ અને મોર બંને સાથે રમી રહયા છે. જેથી તેઓના મનમાં આ સ્થાન અતિ પવિત્ર હોવાનું પ્રતિપાદિત થયું અને તેથી તેઓએ અહીં જ ધ્યાન માટે કુટિર બનાવી. નર્મદા નદીના કિનારે આવેલ આ સ્થાન માટે એમ કહેવાય છે કે ભગવાન ગણેશજીએ ત્રિપુરાસુર ના વધ કરવા માટે અહીં તપ કર્યું હતું અને શિવજીને પ્રસન્ન કર્યા હતા. ગણેશજીએ અહીં ભગવાન શિવજીના લિંગની સ્થાપના કરી હતી. તે સમયે શિવજીએ કોળીની માળા પહેરી હતી એથી આ લિંગ કરપદેશ્વર તરીકે ઓળખાયું હતું. પરંતુ સમય જતા આ લિંગ જમીનમાં દટાઈ ગયું હતું વર્ષો બાદ નારેશ્વર નજીક એક બ્રાહ્મણ નામે નારોપંથને સ્વપ્ન આવ્યું કે અહીં જમીનમાં શિવજીનું લિંગ દટાયેલું છે જેથી તેને ખોદકામ કરાવતા શિવલિંગ પ્રગટ થયું હતું અને ત્યાર બાદ લિંગની સ્થાપના કરવામાં આવી. અને ત્યારથી આ શિવલિંગ બ્રાહ્મણના નામ પરથી “નારેશ્વર” તરીકે ઓળખાયુ. રંગ અવધૂત મહારાજે અહીં આવીને 108 દત્ત પુરાણના પારાયણ કર્યા હતા. દેવતાઓ, ગંધર્વો અહીં શિવજીની આરાધના કરવા આવે છે તેવી પણ માન્યતા છે.
આજરોજ ભરૂચના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધુત મહારાજની ૧૨૧મી જન્મ જયંતિ (રંગ જયંતિ) મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. આજના પવિત્ર દિવસે યાત્રાધામ નારેશ્વર ખાતે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. આ પ્રસંગે દત્ત બાવની, પાદુકા દર્શન, મહા આરતી, ભજન સત્સંગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.