ઝઘડિયા જીઆઇડીસીની DCM કંપનીમાંથી કોપર વાયર ચોરી મોટરસાયકલ પર લઇને જતા બે ઇસમો પૈકી એક મુદ્દામાલ સાથે ઝડપાયો…
કંપનીમાં કામ કરતા કોઇ કામદારે બહાર ફેકેલ સામાન લેવા બે ઇસમો આવ્યા ત્યારે કંપનીના સિક્યુરિટી દ્વારા એકને ઝડપી લેવાયો-અન્ય એક નાશી છુટ્યો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની ડીસીએમ શ્રી રામ કેમિકલ કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયરનો જથ્થો મોટરસાયકલ પર લઇ જતા બે ઇસમો પૈકી એકને કંપનીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો,જ્યારે તેની સાથેનો અન્ય ઇસમ નાશી છુટ્યો હતો. મળતી વિગતો મુજબ કંપનીમાં સિક્યુરિટી અધિકારી તરીકે ફરજ બજાવતા મુળ બિહારના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા સુનિલકુમાર રામ આધાર સિંઘ ગતરોજ તા.૨૭ મીના રોજ કંપની ખાતે ફરજ પર હતા તે દરમિયાન કંપનીના કમ્પાઉન્ડની દિવાલ બહાર કંપનીમાં કામ કરતા કોઇ કામદારે સામાન બહાર ફેંક્યો હોવાનું જણાયું હતું. ત્યારબાદ થોડાજ સમયમાં મોટરસાયકલ પર બે ઇસમો આવ્યા હતા અને કંપનીમાંથી બહાર ફેંકાયેલ સામાન ઉઠાવીને મોટરસાયકલ પર બેસીને જઇ રહ્યા હતા, આ જોઇને સિક્યુરિટી સ્ટાફ સુનિલકુમારે ઝડપથી પોતાની મોટરસાયકલ લઇને આ ઇસમોને પકડવા જતા તેઓ નીચે પડી ગયા હતા,ત્યારબાદ કંપનીમાંથી ચોરાયેલ સામાન લઇને મોટરસાયકલ પર ભાગી રહેલા બે ઇસમો પૈકી એકને સિક્યુરિટી સુનિલકુમારે અન્ય સિક્યુરિટી અધિકારીની મદદથી મોટરસાયકલ અને ચોરાયેલ સામાન સાથે પકડી લીધો હતો જ્યારે તેની સાથેનો અન્ય ઇસમ નાશી ગયો હતો. પકડાયેલ ઇસમનું નામ પુછતા તેનું નામ દુર્ગેશ કિશોરભાઇ પટેલ રહે.જીતાલી તા.અંકલેશ્વર અને મુળ રહે.ઉત્તરપ્રદેશના અને તે ડીસીએમ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોવાનું જણાવેલ. કંપનીના સિક્યુરિટી અધિકારી સુનિલકુમાર સિંઘે આ પકડાયેલ ઇસમ દુર્ગેશ કિશોરભાઇ પટેલ,તેની સાથે આવેલ અને નાશી ગયેલ ઇસમ તેમજ તેમને મદદ કરનાર અન્ય અજાણ્યા ઇસમો સામે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. ત્યારે કંપનીમાંથી સામાન બહાર ફેંકનાર ઇસમો કોણ હતા તેની વિગતો પોલીસ તપાસ દરમિયાન બહાર આવે એમ હાલતો જણાઇ રહ્યું છે.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા