વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ‘સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કર્યું હતું ત્યારે દેશનું એક પણ રાજ્ય ખુલ્લામાં શૌચ (પ્રાત:કર્મ)ની સમસ્યાથી મુક્ત નહોતું. આ સમયે દેશનાં ત્રણ રાજ્યો, 130 જિલ્લા, 1,88,573 ગામો, નમામિ ગંગે હેઠળ 3,706 વધારાનાં ગામો ખુલ્લામાં શૌચની સમસ્યાથી મુક્ત થઈ ચૂક્યાં છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશમાં અત્યાર સુધી ત્રણ કરોડ 87 લાખથી વધુ ઘરોમાં શૌચાલય બની ચૂક્યાં છે. દેશભરમાં સાડાસાત કરોડ શૌચાલય બનાવીને 2019 સુધીમાં દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવાનું લક્ષ્ય મોદી સરકારે નક્કી કર્યું છે. 2014માં જ્યારે અભિયાન શરૂ થયું ત્યારે દેશના માત્ર 42 ટકા ભાગમાં જ સફાઈ થતી હતી, જ્યારે આજે 63 ટકા લોકોને સફાઈનો ફાયદો મળી રહ્યો છે. તમને જાણીને ગર્વ થશે કે મોદી સરકારે શરૂ કરેલાં અભિયાનોમાંથી લોકોએ સૌથી વધુ સ્વચ્છ ભારત અભિયાનને પસંદ કર્યું છે.
જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા પણ પોતાના કાર્ય માર્ગમાં આગળ ઝડપી ગતિએ વધી રહી છે. ભરૂચ શહેરમાં ખુલ્લામાં શૌચ ક્રિયા અટકે તે માટે જે તે સ્થળોએ નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ મોબાઈલ ટોયલેટ વાન મુકવામાં આવશે. હાલ કુલ 3 મોબાઈલ ટોયલેટ વાનમાં 6 જેટલા ટોયલેટ છે. જેમાં મહિલા અને પુરુષ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા હંગામી ધોરણે આ મોબાઈલ ટોયલેટ વાનને જરૂરિયાત જણાય તેવા સ્થળો તેમજ જાહેર કાર્યક્રમો અને સભાસ્થળોએ મુકવામાં આવશે. આવનારા સમયમાં ભરૂચ શહેર સુંદર અને સ્વચ્છ બને તેવા આશયથી ભરૂચ નગરપાલિકાનું આ પગલું આવકાર દાયક રહેશે.