ભરૂચનાં માછીમારો ની સિઝન શરૂ, ચોમાસુ કિંગ હિલ્સા માછલી પકડવાની શરૂઆત કરી, વેપારીઓના ભાડભૂત માં જામશે ધામા
ભરૂચ જિલ્લામાં ભાડભૂતથી નિકોરા સુધીની પટ્ટી ઉપર વસતા 25 હજારથી વધુ માછીમારોએ બુધવારે દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુગ્ધાભિષેક કરી માછીમારીની નવી મૌસમનો પ્રારંભ કર્યો છે. ભાડભૂત ખાતે માછીમારોએ ઉત્સવમય માહોલ વચ્ચે નર્મદા માતાના ભજનો ગાઈને 151 મીટર લાંબી ચૂંદડી ચઢાવી વિધિવત પૂજન-અર્ચન સાથે 1200 બોટમાં 6000 માછીમારો અંદાજીત 35 કિમીમાં 7 દિવસ સમુદ્ર ખૂ઼ંદવા રવાના થયા છે.
ચોમાસાના ચાર મહિનામાં હિલ્સા માછલી પકડીને જિલ્લાના 25000 થી વધારે માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે. ભાડભુતના નર્મદાકાંઠે આજે સવારથી માછીમારોમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. માછીમાર સમાજના લોકો ઢોલ નગારા સાથે નર્મદા અને સિકોતર માતાજીના મંદિરે આવી પહોંચ્યાં હતાં અને માતાજીનું પૂજન અર્ચન કર્યુ હતું. નર્મદા માતાના મંદિરે ભજન રમઝટ જામી હતી. તેમની આ સીઝન સારી રહે તે માટે નર્મદા મૈયા અને દરિયાલાલને પ્રાર્થના કરી હતી.
ભાડભૂતના 6000 માછીમારો 1200 બોટમાં ચાર મહિના સુધી પુરુષ સભ્યો દરિયો ખેડી હિલ્સા માછલી પકડી પોતાની વાર્ષિક કમાણી કરતા હોય છે. પૂજન અર્ચન બાદ માછીમારો તેઓની નાવડીઓ લઇ 7 દિવસ નદીના મુખ પ્રદેશથી લઇ દરીયામાં 35 કિમિ સુધીમાં હિલ્સા માછલી પકડે છે.