ભરૂચના ઉમરાજગામ ના આદિવાસીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત : યોજનાકીય પાક્કા મકાનોની રાહમાં અનેક પરિવારો
ભરૂચના ઉમરાજ વિસ્તારના આદિવાસી રહેવાસીઓ દ્વારા ગામમાં પડતી અનેક સમસ્યાઓ વિશે કલેકટર સમક્ષ એક લેખિત આવેદનપત્ર રજૂ કરાયું , જેમાં ગામના સરપંચ દ્વારા કરવામાં આવેલ મકાનનું નિર્માણ તેમજ મંદિરમાં સરપંચ સિવાય અન્ય વ્યક્તિઓને પ્રવેશ ન આપવાના મુદ્દાઓ સહિત ગ્રામજનોની સમસ્યાઓ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામના આદિવાસી જનજાતિના રહેવાસીઓએ કલેકટર સમક્ષ લેખિત પત્ર પાઠવી જણાવ્યું છે કે અમો ઉમરાજ ગામના રહેવાસીઓ છીએ અમારા ગામમાં અનેક પરિવારો ઘણા વર્ષોથી વસવાટ કરતા હોય , આદિવાસી પરિવારો ઝૂંપડા બાંધીને આ વિસ્તારમાં રહે છે, આદિવાસી વસ્તીનું સરકાર દ્વારા પુનરુત્થાન કરવામાં આવતું હોય છે, તો અમોને સરકારી સહાય કે યોજના અંતર્ગત આવરી લઈ પાક્કા મકાનો બાંધી આપવાની મંજૂરી આપવામાં આવે, તેમજ અમારા ગામમાં આવેલ શૌચાલય ગ્રામ પંચાયત અંતર્ગત હોય ગ્રામ પંચાયત દ્વારા આ જાહેર શૌચાલયો ને ઘણા લાંબા સમયથી તાળા લગાવી બંધ રાખવામાં આવ્યા છે, અમારા ગામના ,વૃદ્ધો, બહેનો સહિતનાઓને શૌચક્રિયા માટે બહાર જવું પડે છે તે અયોગ્ય બાબત હોય ઉપરાંત ઉમરાજ ગામમાં મહાદેવનું મંદિર આવેલું હોય જે મંદિરમાં ધાક ધમકી અને દાદાગીરી પૂર્વક સરપંચ દ્વારા પોતાના પરિવારજનોને જ પૂજા અર્ચના કરવા દેવામાં આવે છે ગ્રામજનો ને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હોય તે રીતે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવતા હોય, તેવો આક્ષેપ ગ્રામજનોએ લેખિત પત્રમાં કર્યો હોય, તેમજ ગામના સરપંચ દ્વારા ત્રણ પાક્કા મકાનો નું નિર્માણ કરવામાં આવ્યું હોય સરપંચ તથા તેમનો પરિવાર અન્ય કોઈ વ્યવસાય સાથે જોડાયેલો ન હોય તે સહિતના આક્ષેપો સાથે ઉમરાજ ગામના રહેવાસીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રૂબરૂમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ સમગ્ર મુદ્દાઓ પર જિલ્લા સમાહર્તા સમક્ષ આદિવાસી સમાજના લોકોનું હિત ધ્યાનમાં લઇ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.