ઝઘડિયા તાલુકાના ગોવાલી અને કરાડ ગામે મારામારીની બે અલગઅલગ ઘટનાઓમાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ….
ગોવાલી ગામે ખેતરનો સામાન લેવા ગયેલ મહિલાને એક મહિલા અને તેના પુત્રએ માર માર્યો,જ્યારે કરાડ ગામે એક ઇસમે શિક્ષિકાને લાકડાના સપાટા માર્યા..
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી અને કરાડ ગામે મારામારીની બે અલગઅલગ ઘટનાઓમાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નંધાવા પામી હતી. મળતી વિગતો મુજબ ગોવાલી ગામે રહેતા જ્યોત્સનાબેન ચીમનભાઇ વસાવા નામની મહિલા ગતરોજ તા.૧૦ મીના રોજ ગામના ગૌરાંગભાઇ ઠાકોરના ખેતરમાં મજુરીકામ માટે જવા નીકળેલ. ગૌરાંગભાઇનો સામાન ગામના શૈલેશભાઇ કનુભાઇ વસાવાના ઘરમાં રાખેલ હોઇ જ્યોત્સનાબેન શૈલેશભાઇના ઘરે સામાન લેવા ગયા હતા.ત્યાં જઇને તેમણે શૈલેશભાઇના માતાને કહ્યું હતું કે મારે ગૌરાંગભાઇના ખેતરમાં કામે જવાનું હોવાથી દાતરડી અને પાવડો જોઇએ છે. આ સાંભળીને તેઓ ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. જ્યોત્સનાબેને તેમને ગાળો બોલવાની ના પાડતા તેઓ જોરજોરથી બોલવા લાગ્યા હતા,આ દરમિયાન શૈલેશ વસાવા હાથમાં લાકડાનો સપાટો લઇને આવ્યો હતો અને સપાટો મારવા જતા જ્યોત્સનાબેને હાથ આડો કરી દેતા તેમને હાથ પર સપાટો વાગી જતા તેમને ચક્કર આવી જઇને તેઓ નીચે પડી ગયા હતા.ઇજાગ્રસ્ત જ્યોત્સનાબેનને ઝઘડિયા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. ઇજાગ્રસ્ત જ્યોત્સનાબેનની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે શેલેશભાઇ કનુભાઇ વસાવા અને શૈલેશભાઇની માતા બન્ને રહે.ગામ ગોવાલી તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે અન્ય ઘટનામાં અંકલેશ્વર ખાતે રહેતા દિપાલીબેન પરમાર ઝઘડિયા તાલુકાના કરાડ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.ગતરોજ તા.૧૦ મીના રોજ સવારના સાડા દસના સમયે તેઓ શાળાએ આવ્યા હતા,શાળાના આચાર્ય શંકરભાઇ ગોહિલ ઝઘડિયા બીઆરસી ભવન ખાતે તાલિમમાં ગયા હતા.દિપાલીબેન બાળકોને ભણાવતા હતા,અને ત્યારબાદ શાળા છુટવાના સમયે કરાડ ગામનો મેલાભાઇ નટવરભાઇ વસાવા તેના હાથમાં એક લાકડું લઇને આવ્યો હતો અને દિપાલીબેનને માથામાં સપાટો મારી દીધો હતો તેમજ ત્યારબાદ ઉપરાછાપરી સપાટા મારતા દિપાલીબેન ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન શાળાના આચાર્ય ત્યાં આવી જતા ઇજાગ્રસ્ત દિપાલીબેનને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે દિપાલીબેન પરમારે મેલાભાઇ નટવરભાઇ વસાવા રહે.ગામ કરાડ તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.
રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા