નર્મદા નદીના તટ પર વસેલું ભરૂચ શહેર વર્ષો પહેલા ભૃગુકચ્છના નામથી પ્રખ્યાત બન્યું હતું. ભરૂચ શહેર પોતાની ઐતિહાસિક ઓળખ ધરાવતું નગર છે. ભૃગુઋષિઓની તપોભૂમિ એવી આ ધરા ઉપર આવેલ ભૃગુકચ્છ બંદરની જાહોજલાલી જગવિખ્યાત હતી. ભરૂચ નગરમાં ઘણાં એવા ઐતિહાસિક સ્થળ, ધરોહરો અને ઇમારતો આવેલી છે. જેની વર્ષો પહેલા સારી રીતે માવજત કરવામાં આવતી હતી. પરંતુ સમય બદલાતા હાલ ભરૂચની કેટલીક ઐતિહાસિક ધરોહરો નાશ પામવાના આરે છે. આ સ્થળોનું મહત્વ આજની પેઢી સમજી શકે તે માટે લોકવારસો ઉજાગર કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેરિટેજ વોક દાંડિયા બજાર નથું ધોબન ધર્મશાળાથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળો પર નીકળી હતી. જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી, ભરૂચ દ્વારા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો અને ઇમારતોનું ભરૂચ જિલ્લામાં કાર્યરત કંપનીઓ તથા સંસ્થાઓ પાસેથી સી.એસ.આર. હેઠળ ફંડ મેળવી નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર હેરિટેજ વોક દરમિયાન જિલ્લા સમાહર્તા રવિકુમાર અરોરા, નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ચીફ ઓફિસર સંજય સોની, ભરૂચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ કમલેશ ઉદાની, હરીશ જોશી તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.