આગામી તા. ૩૧મી ઓક્ટોબરના રોજ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના રોજ નર્મદા જિલ્લામાં કેવડિયાના સાધુબેટ ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ થવા જઈ રહ્યું છે જેના ઉપલક્ષે આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા “રન ફોર યુનિટી” મીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમાહર્તા રવિકુમાર અરોરા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ગે, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અનિષ પરીખના હસ્તે લીલી ઝંડી ફરકાવી “રન ફોર યુનિટી” મીની મેરેથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ભરૂચની એ.બી.સી. ચોકડીથી શ્રવણ ચોકડી, શેરપુરા રોડ થઈ મનુબર ત્રણ રસ્તા સુધીની ૭.૫ કી.મી. લાંબી મીની મેરેથોન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.