ભરૂચમાં પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે વન ધારા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વનધારા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પોલીસ પરિવાર બંને સહભાગી થઈ વૃક્ષોનું વાવેતર અને જતન કરવાનો સંકલ્પ કર્યો હતો.
ગુજરાત તેમજ ભરૂચમાં વધતી જતી ગરમી અને ગ્લોબલ વોર્મિંગ ને અટકાવવા માટે વૃક્ષો વાવો જીવન બચાવો આ સૂત્રને સાર્થક કરવા માટે આજે ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની ઉપસ્થિતિમાં વન ધારા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી 150 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. તેમજ બહુમાળી પોલીસ આવાસની ખુલ્લી જગ્યામાં કિચન ગાર્ડન સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે આ વૃક્ષોનું વાવેતર અને તેમની માવજતની જવાબદારી સંપૂર્ણપણે પોલીસ પરિવાર અને વન ધારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે, આગામી સમયમાં પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ખુલ્લી જગ્યા ઉપર વૃક્ષારોપણ કરવામાં આવશે, જેથી આસપાસના વિસ્તારમાં ઠંડક ભર્યું વાતાવરણ જળવાઈ રહે અને ગ્લોબલ વોર્મિંગ ની અસરોથી પણ શહેરને મુક્ત બનાવી શકાય છે, તેવા શુભ આશય સાથે આજે ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સી. કે. પટેલ , એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી, પીઆઈ પી.એમ. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.