*તસ્કરોએ તરખાટ મચાવ્યો:* ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા, તિજોરી ન તુટતાં સ્થળ પર જ મુકી પલાયન થયા
ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસીએ બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.
તસ્કરો ટેક્ટર વડે તિજોરી ખેંચી ગયા
ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક એચડીએફસીએ બેંક આવેલી છે. આ બેંકને ગતરોજ રાત્રીના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતાં. આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે, સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી.
પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
આ તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહિ મળતા તેનો માલિક તેની શોધ ખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.