ભરૂચ શહેરમાં રોડની સાઇડમાં ફુટપાથ પર સુતા ઘર વિહોણા લોકો માટે પાલિકાએ એક આશ્રય સ્થાન ઉભું કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. એસ.ટી. વિભાગ પાસેથી બિનવપરાશી એવી જૂની બસ લઇને તેને શેલ્ટર હોમમાં પરિવર્તિત કરાઇ છે. પ્રાયોગિક ધોરણે બે બસોને અંદાજિત 6 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવી છે. બન્ને નાઇટ શેલ્ટર બસોને રેલ્વે સ્ટેશન પાસેના પાર્કિંગમાં મુકવામાં આવશે. આ બન્ને બસ પૈકી એક બસ મહિલાઓ માટે અને બીજી બસ પુરુષો માટે ફળવાઈ છે જેમાં ૧૦ જેટલા લોકો પોતાનો રાતવાસો કરી શકશે. આગામી ટુંક સમયમાં બન્ને બસોનું લોકાર્પણ કરવામાં આવશે.
પરંતુ આ બન્ને બસો નગરપાલિકાના પટાંગણ છેલ્લા એક અઠવાડિયાથી મુકવામાં આવી છે. જે પૈકી એક બસની ડીઝલ ટેન્કમાંથી મોટી માત્રામાં ડીઝલ લીકેજ થઈ રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ઘણું એવું ડીઝલ વ્યર્થ થઈ ઢોળાઈ ગયું છે. આ ઉપરાંત કોઈ સિગારેટ કે બીડીનું તણખલું જો આ લીકેજ થયેલ ડીઝલને સ્પર્શી જઇ મોટી ઘટના સર્જાય તો બે મત નહીં. નગરપાલિકા તંત્ર દ્વારા આ પરિસ્થિતિ સામે પહોંચી વળવાના સાધનો તો છે જ પરંતુ શું ઘટના સર્જાવાની રાહ જોવાઇ રહી છે ક્યાંક તેમ લાગી રહ્યું છે.
વધુમાં એસ.ટી. વિભાગ પાસેથી બિનવપરાશી હાલતમાં હોવાથી આ બન્ને બસોની પસંદગી કરવામાં આવી છે, શું એસ.ટી. વિભાગ પાસે જ આવી જૂની પુરાણી તકલાદી બસો હશે તો તે બસમાં મુસાફરી કરતા લોકોને ક્યાંથી સારી સેવા પૂરી પાડશે..?