આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 4 ના રહીશો પાણી વગર હાલાકી, મહિલાઓએ પાલિકા હાય હાયના નારા લગાવ્યા…
ભર ઉનાળે આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચારના રહીશો પાણી વગર વલખાં મારતા જોવા મળ્યા હતા. આમોદ નગરપાલિકા પ્રમુખ અને વોટરવર્કના ચેરમેનના વોર્ડમાં જ ચાર દિવસથી પાણી ન મળતા સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા. આમોદ નગર પાલિકાની નજીકના વિસ્તારમા પાણી ન મળતા ચકચાર મચી જવા પામી છે. સતત ચાર દિવસથી ખાવા પીવા અને નાહવા ધોવા માટેનું પાણી ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા.
આકરી ગરમીમાં મારુંવાસ વિસ્તારના લોકો એક કિલોમીટર સુધી પાણી લેવા જવા માટે મજબૂર બન્યા હતા. જ્યારે એક મહિલા એક નાના બાળકને ઊંચકીને બે બાળકોને લઈ હાથ લારીને ધક્કો મારતા પાણી લઈને જતાં કેમેરા મા નજરે પડ્યા હતા. જ્યારે સ્થળ ઉપર કેટલીક મહિલાઓએ આમોદ નગરપાલિકા હાય હાય ના સુત્રો પણ બોલાવ્યા હતા. આમોદ નગરમાં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે જ્યારે આમોદ નગરપાલિકા પાણી ગટર અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં તદ્દન નિષ્ફળ નીકળી હોય તેવું આમોદમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.