પાલેજ સ્થિત મદની હૉલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ…
પાલેજ :- ભરૂચના પાલેજ સ્થિત મદની હૉલમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ બ્રાન્ચ દ્વારા વર્ષ ૨૦૨૪ ની પવિત્ર મક્કા મદીના શરીફની હજયાત્રાએ જઇ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઇ હતી. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મદ્રેસાના તુલ્બાઓએ સુંદર નાત શરીફના ગુલદસ્તા રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ નામાંકીત આલીમ મૌલાના હસન અશરફી સાહેબે હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોની સંપૂર્ણ માહિતી વિસ્તૃત છણાવટ સાથે આપી હતી. સાથે સાથે ડૉ. મોહસીન રખડા સાહેબે હજયાત્રા દરમિયાન હજયાત્રીઓને આરોગ્ય વિશે વિશેષ કાળજી બાબતે સજાગ રહેવા વિશેષ અનુરોધ કર્યો હતો.
આયોજિત હજ તાલીમ શિબિરમાં પાલેજ સહિત આસપાસના ગામોના મક્કા મદીના શરીફની પવિત્ર હજયાત્રાએ જઇ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે મક્કા મદીના શરીફની પવિત્ર હજયાત્રાએ જઇ રહેલા હજયાત્રીઓને શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા તેઓની હજયાત્રા સફળ અને સુખમય નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. હજ તાલીમ શિબિરમાં ભાગ લેનાર હજયાત્રીઓ માટે સંચાલકો દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અંતમાં સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું…
:- યાકુબ પટેલ..પાલેજ…