દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા.૩૧મી ઓકટોબરના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદધાટન એક સંભારણું બને તેવા ભવ્ય કાર્યક્રમ, સરદાર પટેલના સંદેશને હાલના જનજીવનમાં તેની અગત્યતા સાથે લોકો સુધી પહોîચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવો અને દરેકમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવી તેમજ જ્ઞાતિ ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયોને આવરી લઇ ભરૂચની નંદેલાવ ચોકડી ખાતેથી ભરૂચ શહેર પ્રથમ તબક્કાની એકતા રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતુ. સરદાર પટેલ એકતા રથયાત્રા નંદેલાવ ચોકડીથી શ્રવણ ચોકડી, શક્તિનાથ, પાંચબત્તી, રેલ્વે સ્ટેશન થઈ કસક, મકતમપુર, ઝાડેશ્વર રોડ સહિત વિવિધ માર્ગો ઉપર ફરી હતી. આ પ્રસંગે સરદાર પટેલ એકતા યાત્રાનું સ્થાનિક ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.