ભરૂચના ટંકારીયા ગામમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ત્રીસ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી…
ભરૂચના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાદરીયા રોડ પર રહેતા ઇરફાન ભાઈ તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારબાદ તેઓ ટંકારીયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા તે વેળા સાંજના છ વાગ્યાથી નવ વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી ૪૪.૮ તોલા સોનાના દાગીના તેમજ રોકદા રૂપિયા ૪,૬૫,૦૦૦ મળી કુલ ૩૧,૫૩,૦૦૦ ની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી. ઘટના સંદર્ભે ઇરફાન ભાઈએ પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાની જાણ થતા ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ તેમજ એલ સી બી પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટનાને પગલે સમગ્ર ટંકારીયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે પોલીસ તસ્કરોનું પગેરુ મેળવવામાં કેટલી ઝડપથી સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે…
:- યાકુબ પટેલ..ભરૂચ…