કરણી સેના ના રાજ શેખાવટ ની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત,પોલીસે પાઘડી ઉતારી જીપ માં નાંખતા વિવાદ
લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું. સવારે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. તેઓને અહીં જ નજરકેદ કરવામાં આવ્યા હતા. બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી. બાદમાં તેઓને સાયબર ક્રાઈમ લઈ જવામાં આવ્યા હતા. અહીં ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા છે અને થોડીવારમાં રાજ શેખાવતને મુક્ત કરવામાં આવશે. જોકે, આગેવાનોએ પાઘડી ઉછાળનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા અપીલ કરી છે.