ભરૂચની જંબુસર ચોકડીએ ખરાબ રસ્તાના કારણે રસ્તા રોકો આંદોલન બાદ ખાડાઓ પુરી રસ્તાના રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામગીરી દરમિયાન કપચી પર ડામર નાંખી વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ સ્થાનિક રહીશોએ કરી છે. કાળઝાળ ગરમીમાં ડામર પીગળી રહયો હોવાથી રસ્તાઓ પણ ચીકણા બની ગયાં છે.
દહેજ અને ભરૂચને જોડતા રસ્તા પર જંબુસર ચોકડી નજીક ખાડાઓની સમસ્યાનો કાયમી હલ આવતો ન હોવાથી બે દિવસ પહેલા સ્થાનિક રહીશોએ પાંચમી વખત ચકકાજામ કરી દીધો હતો. ત્રણ કલાક સુધી જામ રહેતા અનેક વાહનચાલકો અટવાયાં હતાં. લોકોનો રોષ પારખી ગયેલા અધિકારીઓએ તાબડતોડ રીપેરિંગની કામગીરી શરૂ કરાવી દીધી હતી. કેટલાય સ્થળોએ ખાડામાં કપચી નાંખી તેના પર ડામર પાથરી દેવાયો હોવાની ફરિયાદો ઉઠી છે. હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં ડામર પીગળી જતાં રસ્તાઓ ચીકણા બની ગયાં છે. આ બાબતે કંપનીના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, દશેરાની રજા હોવાથી ગુરૂવારે કામગીરી બંધ રાખવામાં આવી હતી. આજે શુક્રવાર સુધીમાં રીપેરિંગનું કામ પુરૂ કરી દેવામાં આવશે.
ભરૂચની જંબુસર ચોકડીઅે રસ્તા રોકો અાંદોલન બાદ રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ હતી પણ તેમાં વેઠ ઉતારવામાં અાવતી હોય તેમ લાગી રહ્યું છે.