મહારાષ્ટ્રના પાલઘરથી કદમ કદમ બઢાવી 7500 કિલોમીટરની પગપાળા હજ યાત્રાએ નીકળી યુવતી..
મક્કા મદીનાની 1 વર્ષ જેટલી પગપાળા હજ યાત્રા સનાએ શરૂ કરી છે, પાકિસ્તાન, ઈરાન, ઇરાક થઈ પહોંચશે મક્કા
ભરૂચમાં આજે મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એક યુવતીને વધાવવા અને તેના સ્વાગત માટે ભરૂચ સ્ટેશન ખાતે મુસ્લિમ બંધુઓ જોડાયા હતા.
મહારાષ્ટ્રના પાલઘરથી હજ પઢવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા. મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજયાત્રા કરતા હોય છે. મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદયાત્રા થકી મક્કા મદીના હજ પઢવાનું નક્કી કર્યું હતું.
સના 22 દિવસ પેહલા મહારાષ્ટ્રના પાલઘરથી નીકળી ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઇ ભરૂચમાં આવી પહોંચતા તેનું ઠેરઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યુવતી આજરોજ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન, પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન, ઈરાન-ઈરાક થઇ 1 વર્ષની સફર કરી 7500 થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે. જ્યાં હજ પઢશે. ભરૂચમાં આ યુવતીનું મુસ્લિમ બિરાદરો દ્વારા આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ પદ હજયાત્રીના દીદાર માટે મુસ્લિમ લોકો જોડાયા હતા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. હાલ આ યુવતીએ પાકિસ્તાનમાં વિઝા માટે અરજી કરી છે તે સિવાયના દેશોએ વિઝા આપી હોવાનું જણાવ્યું હતું.