ભરૂચ જિલ્લા માં શિવાલયો શિવરાત્રીના પાવન અવસરે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં
ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલાં શિવાલયો શિવરાત્રીના પાવન અવસરે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં હતાં. ભાવિક ભક્તોએ વહેલી સવારથી ભોળાનાથના દર્શન તથા અભિષેક માટે શિવાલયો ખાતે પહોંચી ગયાં હતાં. ઓમ નમ: શિવાય મંત્રના જાપથી વાતાવરણ ભકિતમય બની ગયું હતું. ભરૂચમાં આવેલાં શિવમંદિરો ખાતે શુક્રવારે સવારથી શિવરાત્રી પર્વ નિમિત્તે દેવાલયોની બહાર મેળામય માહોલ જોવા મળ્યો હતો. ભાવિક ભક્તોએ ભોળાનાથને બિલીપત્ર અર્પણ કરી તેમજ દુગ્ધાભિષેક કરી તેમના શુભાશિષ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. શિવરાત્રીના પાવન પ્રસંગે શિવજીને રીઝવવા માટે શ્રદ્ધાળુઓ ભકિતમાં લીન બની ગયાં હતાં. શહેર તથા જિલ્લામાં આવેલાં દેવાલયોને પુષ્પોથી શણગારવામાં આવ્યાં હતાં. સવારથી દેવાલયોમાં ઓમ નમ: શિવાય મંત્રના જાપ શરૂ કરવામાં આવતાં વાતાવરણમાં શિવભકિતની લહેરકી ફરી વળી હતી.શહેરના તમામ શિવમંદિરો ખાતે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.