ડેડીયાપાડાના ધારાસભ્ય અને આગામી લોકસભાના સંભવિત ઉમેદવાર એવા ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થવા અંગેની માહિતી સાંપડી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આમ આદમી પાર્ટીના એક્ટિવ ધારાસભ્ય એવા ચૈતર વસાવા ઉપર વનકર્મી ઉપરના હુમલા અંગેનો પોલીસ કેસ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં થયેલ હતો. આ કેસમાં ચૈતર વસાવા અને તેમની ધર્મપત્ની ઉપર કેસ થયેલ છે. જે તે સમયે તેમની ધર્મ પત્નીને પોલીસ દ્વારા ધરપકડમાં કરવામાં આવી હતી. પરંતુ ચૈતર વસાવા પોલીસ સ્ટેશન હાજર ન થતા તેઓને વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસને અંદાજિત એક મહિના જેટલો સમય થવા જઈ રહ્યો છે ત્યારે ચૈતર વસાવા આજરોજ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને સરેન્ડર થવા અંગેના અહેવાલ સાંપડી રહ્યા છે. ડેડીયાપાડા પોલીસ સ્ટેશન હાજર થતા પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી ઉપર અક્ષેપો કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી હું લોકોની વચ્ચે જઈ શક્યો નથી અને લોકોને સેવા નથી કરી શક્યો તે બદલ ડેડીયાપાડા જનતાને માફી માંગી દિલગીરી વ્યક્ત કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ડેડીયાપાડામાં વિસ્તારમાં ગત વિધાનસભામાં હું જંગી બહુમતી જીત્યો જેના પગલે ભાજપાના પેટમાં ગરમ તેલ રેડાયું અને મને તથા મારા પરિવારને માનસિક તેમજ આર્થિક ત્રાસ આપવાના ભાગરૂપે મારી ઉપર ખોટો કેસ કરી મને ખોટી રીતે જેલ હવાલે કરી, પ્રજાની વચ્ચે જતા અટકાવવાના ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પ્રજાને થતા અન્યાય, પ્રજાલક્ષી વિવિધ માંગણીઓ પ્રત્યે એક સાથે મળી લડત આપીશું તેમ તેઓએ જણાવ્યું હતું. સડકથી સદન સુધી લડતા ધારાસભ્યને યેનકેન પ્રકારે રોકવા ખોટો કેસ કરી લોકપ્રિયતાને ડાઘ લગાવવાના હેતુસર મને હેરાન કરવામાં આવે છે તેમ તેઓએ જણાવ્યું હતું.