આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીની સત્તાવાર જાહેરાત થાય પહેલા તો ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકીય માહોલ ચરમસીમા એ પહોંચ્યો છે, એક તરફ ડેડીયાપાડાના ધારાસભ્ય મામલે આપ નેતાઓ વર્તમાન સરકાર પર અને સાંસદ ઉપર ખોટા કેસો કરાવવાના આક્ષેપો કરી રહ્યા છે, અને આગામી ચૂંટણીઓમાં સાંસદ મનસુખ વસાવાને હારનો સામનો કરવો પડશે તેવા પડકાર ફેંકી રહ્યા છે તો બીજી તરફ હવે સાંસદ મનસુખ વસાવા પણ તેઓના વિરોધીઓ સામે બાયો ચઢાવી હોય તેમ લાગી રહ્યું છે.
સાંસદ મનસુખ વસાવા એ સોશિયલ મીડિયા થકી પોસ્ટ મૂકી લખ્યું-હાથી, હાથીની ગતિ એ ચાલે છે પાછળ કુતરાઓ ભસે છે તે પાછું વળીને જોતો નથી, હું વર્ષોથી મારા ક્ષેત્રના આમ પ્રજાના કામો કરું છું. મારે બીજા કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. આમ આદિવાસી વેશભુષા સાથે મનસુખ વસાવા એ પોસ્ટ શેર કરી વિરોધીઓની બોલતી બંધ કરી હતી.
આમ લોકસભા ચૂંટણીઓ હજુ તો જાહેર થઈ નથી તે પહેલા તો ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય વોર સોશિયલ મીડિયાના મારફતે ગરમાયો છે, જેમાં એક તરફ સાંસદ પોતાના તરફથી મેદાન સંભાળ્યું છે તો બીજી તરફ વિપક્ષ પાર્ટીઓએ પણ સાંસદના દરેક નિવેદનો ઉપર બારીકાઇથી નજર રાખી તેઓને તાબડતોડ જવાબ આપવાની રણનીતિ સાથે પોસ્ટો મૂકી રહ્યા છે, ત્યારે હવે જોવું રહ્યું છે કે સોશિયલ મીડિયા પર જામેલું રાજકીય યુદ્ધ આખરે ક્યાં સુધી જામેલો જોવા મળે છે.