આગામી ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીની મહદઅંશે તૈયારીઓ થઈ રહી છે. મોટાભાગના રાજકિય પક્ષો ચૂંટણી અનુલક્ષીને ચૂંટણી જીતવામાં સમીકરણો તેજ કરી મતદારોને રિઝવવા અવનવા અખતરાઓ અજમાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરી મતદારોને રિઝવવાનાં જોરદાર પ્રયાસો કરી રહ્યા છે. શાસક પક્ષના સંગઠનનાં હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનસંપર્ક કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નામે અને મોદી સરકારની ઉપલબ્ધિઓ આંગળીના વેઢે ગણાવી રહ્યા છે. ગત સમયમાં યોજાયેલ ભારતના ત્રણ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે અને ભાજપ ફરી આ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ થઈ છે.
ભરૂચનાં પનોતા પુત્ર અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ. અહમદ પટેલનાં પુત્રી મુમતાજ બેન પટેલ પણ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ જન સંપર્ક કરી રહયા છે. જંબુસર ખાતે યોજાયેલ કોંગ્રેસની સભામાં મુમતાજબેન પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે કાર્યકરો એ પોતાની માનસિકતા બદલવી પડશે. કંઈ નથી થવાનું, હારવાનું જ છે, તે હવે નથી ચાલવાનું નવો જોશ ફરી લાવવો પડશે બધાએ ઊઠીને જાગવું પડશે તેમ તેઓએ જણાવ્યું હતું. ભરૂચ લોકસભા બેઠકના સંભવિત ઉમેદવાર મુમતાજ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે રસ્તો કઠિન છે જર્ની આસન નથી પરંતુ તે હવે નહીં ચાલે તેમ કહી કાર્યકરોને જનસંપર્ક વધારી કોંગ્રેસે દેશ માટે આપેલ બલિદાન અને તેની સેવાઓનો પ્રચાર પ્રસાર કરી સંગઠનને મજબૂત બનાવવા અપીલ કરો હતી. દેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાનાં કેસ મામલા પછી વધુ સતર્ક થયેલા મુમતાજ બેન પટેલ જન સંપર્ક કરી રહયા છે. ઇન્ડિયા ગઠબંધનમાં બંને ચહેરા ભરૂચ લોકસભા પર મજબૂત દાવેદારી કરે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.