ભરૂચ જિલ્લાના ભરૂચ – પાલેજ રાજ્ય ધોરીમાર્ગ માર્ગ પર પરીએજ ગામ નજીક આવેલી સ્થિત હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર હજારો અનુયાયીઓની હાજરીમાં ૬૧૩ મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિધ્ધ આસ્તાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારના આસ્તાના પર મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા.
સંદલ શરીફનું ઝુલુસ દરગાહ પાસેથી સૈયદ સાદાતો તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થયું હતું. જે ઝુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. દરગાહ શરીફ પર પહોંચી દરગાહ શરીફના સંકુલમાં આવેલી મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના સાકીર સાહેબ તેમજ અન્ય સાદાતોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ટ્રસ્ટીઓ તેમજ સાદાતોના હસ્તે ફૂલ ચાદર અને ગીલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે મસ્જિદના ઇમામ સાહેબ, ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ