સામાન્ય રીતે ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ આ દારૂ બંધી માત્ર કાગળ પૂરતી હોવાનું કહેવાય રહ્યું છે, ગુજરાતમાંથી દર વર્ષે કરોડો રૂપિયાનું દેશી-વિદેશી દારૂ ઝડપાતું હોય છે, તો કેટલાક કિસ્સામાં બુટલેગરો પોતાના નાપાક મનસુબા પાર પાડી લઈ નશાનો વેપલો બિન્દાસ કરી તગડી કમાણી કરી લેતા હોય છે અને યુવા પેઢીને નશાની લટમાં ધકેલવાનું કારસ્તાન પાર પાડી લેતા હોય છે.
ભરૂચ જિલ્લામાં પણ કંઈક આજ પ્રકારનો માહોલ બુટલેગરોમાં જોવા મળી રહ્યો છે, જ્યાં કેટલાક સ્થળે તો જાણે કે બિયર બાર અને નશાનો હબ જેવો માહોલ જામેલો જોવા મળે છે, ખાસ કરી ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારોમાં નામચીન બુટલેગરો પોતાના નશાના વેપલાને બિન્દાસ અને બેખોફ રીતે ધમધમાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, માંગો તે બ્રાન્ડનો દારૂ નશાનું સેવન કરતા લોકોને પીરસવામાં આવતું હોવાનું કહેવાય રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં જેમ વિદેશી દારૂનું વેચાણ થાય છે તેમજ દેશી દારૂનું ચલણ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે, એટલે જ તો જિલ્લામાં એક કહેવત જોરશોરથી લોકોમાં અવારનવાર ચર્ચાતી હોય છે, જાહેર માર્ગો ઉપર નશામાં ટલ્લી ઈસમોને જોઈ લોકો બોલતા હોય છે કે 10 નું દારૂ અંકલેશ્વર કે ભરૂચ મારું, ખાસ કરી દેશી દારૂના હબનું કેન્દ્ર અંકલેશ્વરના અમરતપુરા સહિતના આસપાસના વિસ્તારો બન્યા હોવાનું કહેવાય રહ્યું છે.
અમરતપુરા વિસ્તારમાં બિન્દાસ અને કાયદાના ખૌફ વિના અનેક બુટલેગરો દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમાવતા હોય છે અમે દારૂને ગાળી તેને વાહનો થકી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે નશાના નેટવર્કનું આખરે સ્ટેટ વિજિલન્સની ટિમો એ ભાંડો ફોડ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે લાખોના મુદ્દામાલ સાથે 10 જેટલાં બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
સ્ટેટ વિજિલન્સની ટીમે બાતમીના આધારે ભરૂચ નર્મદા ચોકડી, અબસીડ ચોકડી અને વીડી ટાઉનશીપ નજીકના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી દરમ્યાન બાતમીવાળા વાહનો આવતા તેઓને ફિલ્મી સ્ટાઇલથી ટ્રાફિક જામ કરી રોકી તેમાં તલાસી લેતા તેમાંથી દેશી દારૂના જથ્થા મળી આવ્યા હતા આમ એક બાદ એક વિજિલન્સની ટીમે બે જેટલી ફોરવ્હીલ કાર અને એક્સેસ મોપેડ ઝડપી પાડી હતી.
સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપેલ દારૂ મામલે સામે આવ્યું હતું કે અંકલેશ્વરના અમરતપુરા વિસ્તારમાંથી આ દારૂનો જથ્થો ગાડીઓમાં ભરવામાં આવે છે જેને બાદમાં અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરાતો હોય છે, હાલ મામલે પોલીસે કુલ 10 જેટલાં ઈસમો સામે ગુનો દાખલ કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં (1) વિશાલ જીણાભાઈ વસાવા રહે, ઇન્દિરા આવાસ અમરત પુરા અંકલેશ્વર,(2) હર્ષદ સુરેશભાઈ વસાવા રહે, ઇન્દિરા આવાસ, અમરત પુરા,(3) સુખદેવ અમર સિંહ વસાવા રહે, મોટું ફળિયું અમરત પુરા (4)રૂપેશભાઈ રાજુભાઈ વસાવા રહે, નવી નગરી અમરત પુરા (5) સન્મુખ ભાઉ ઉર્ફ બુરાભાઈ વસાવા રહે, અમરત પુરા, (6) દિલીપભાઈ વિજય ભાઈ વસાવા રહે, અમરત પુરા (7) અમૃત ઉર્ફે જેકી વસાવા રહે, અમરત પુરા (8) અરવિંદ ભાઈ રહે, કુકર વાડા (9) સુરેશભાઈ રહે, દહેગામ તેમજ ચિરાગ ભાઈ રહે, બંબાખાના ભરૂચ નાઓ સામે ગુનો દાખલ કરી કુલ 7,71,300 નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.