સરદાર સરોવરમાંથી પાણીની અાવક અોછી થવાને કારણે નર્મદા નદીના જળસ્તર નીચા થઇ ગયાં છે. કેટલાંક વિસ્તારોમાં નદીને ચાલીને પસાર કરી શકાય તેવી સ્થિતી સર્જાઇ છે. ત્યારે નર્મદા નદીમાં પાણીના અભાવે બોટીંગ નહીં થઇ શકતાં જિલ્લાનું સૌથી વધુ પ્રખ્યાત અને પ્રવાસીઅોથી ધમધમતાં કબીરવડ ખાતે પ્રવાસીઅોની સંખ્યા ખુબ જ ઘટી ગઇ હતી. જેના કારણે મોટી ખોટનો સામનો કરવો પડતો હોઇ ઘાટની હરાજીમાં ભાગ લેવામાં પણ ઇજારદારો રસ દાખવતાં ન હતાં..
નદીમાં બર્થ ડે પાર્ટી માટે ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવાયું
નર્મદા નદીના પાણીમાં અલ્હાદક અાનંદ વચ્ચે લોકો તેમના યાદગાર પળોને માણી શકે તે માટે કંપનીઅે કબીરવડ ખાતે ખાસ 30 વ્યક્તિઅોનું વજન વેઠી શકે તેવું બર્થ ડે પાર્ટી માટેનું ફ્લોટીંગ પ્લેટફોર્મ બનાવ્યું છે. જોકે અાગામી દિવાળી સુધીમાં 50 અને 100 વ્યક્તિઅોની ક્ષમતાવાળા અન્ય બે ફ્લોટીંગ પ્લેટફોર્મ બનાવવામાં અાવશે. ઉપરાંત તંત્રની મંજૂરી મળે તો નદીમાં તરતા કોટેજ ઉભા કરવાની પણ કવાયત છે.
કબીરવડ ખાતે તમામ સુવિધા મળે તેવા પ્રયાસ
જિલ્લા પંચાયત દ્વારા 10 વર્ષ માટે બીઅોટી ધોરણે કબીરવડ – મંગલેશ્વર ઘાટનો ઇજારો અાપ્યો છે. ત્યારે કબીરવડ પ્રવાસન ધામને અત્યંત રમણિય અને સુવિધાઅોથી સજ્જ બનાવવા માટેના પ્રયાસ છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા જમીન ફાળવણી કરવામાં અાવે તો પાણીમાં તરતો વોટરપાર્ક, તરતા કોટેજીસ, અેમ્યુઝમેન્ટ પાર્ક, કિડ્સ ઝોન સહિતની અન્ય સુવિધાઅો વિકસાવવા માટેની અમારી કવાયત છે.યોગેશ મારૂ, ઇજારદાર, કબીરવડ – મંગલેશ્વર ઘાટ.
ભરૂચના કબીરવડ ખાતે બોટીંગની સુવિધાનો પ્રારંભ કરાયો હતો.
કેટલી બોટ મુકાઇ છે
સ્પિડ બોટ – 2 – અેક બોટમાં 8 મુસાફરો અને 1 ડ્રાઇવર જઇ શકે છે
પોન્ટુન બોટ – 2 – અેક બોટમા 30 મુસાફરો બેસી શકે છે, અેકથી દોઢ ફુટ પાણીમાં પણ ચાલી શકે છે.
પેન્ડલ બોટ – 2 – ચાર વ્યક્તિઅો બેસીને પેન્ડલ મારી બોટ ચલાવી શકે છે
જેટ સ્કી – 1 – અેક જેટસ્કીમાં ડ્રાઇવર તેની સાથે અેક કે બે વ્યક્તિઅોને બોટમાં ફેરવી શકે છે.
ફ્લોટિંગ જેટીની શું ખાસિયત છે
કબીરવડ-મંગલેશ્વર ઘાટના બન્ને છેડે 350 અને 250 મીટરની બે ફ્લોટીંગ જેટી બનાવવામાં અાવી છે. જે પાણી ઉપર તરતી રહેતી હોવાને કારણે પાણી ઘટે કે વધે પણ મુસાફરોને કોઇ પરેશાની ભોગવવી ન પડે. ફ્લોટીંગ જેટી માટે નાંખવામાં અાવેલાં પ્લાસ્ટીક ( અેચડીપી)ના ડ્રમની કેપેસિટી વધુ છે. જેમાં 1 ચોરસ મિટરના ક્યુબ પર 375 કીલો અેટલે કે સરેરાશ 4 માણસોનું વજન વેઠી શકાય છે.