ભરૂચ જિલ્લામાં ૧૫ મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઝધડીયા તાલુકાના રાજપારડીથી રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતીના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આજથી ફેઝ-૨ માં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં શરૂઆત થઈ છે. ભોલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્રીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફેઝ-૨ નો શુભારંભ કરાયો હતો.
ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્રીની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતાં ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તમામ લોકોએ વિકસિત ભારતની નેમ સાથે વડાપ્રધાનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતા. લોકોએ આત્મનિર્ભર અને વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા શપથ લીધા હતા.
આરોગ્ય કેમ્પ અંતર્ગત હાયપરટેન્શન, ડાયાબિટીસ, ટી.બી. જેવા રોગો માટે તપાસ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડનું એનરોલમેન્ટ કરવામાં આવ્યું હતું અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, ભોલાવ ગ્રામપંચાયતના સંરપંચ અને ઉપસંરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયતના સભ્ય અને અન્ય પદાધિકારીઓ તેમજ વિવિધ કમિટીઓના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.