ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે, જિલ્લામાં ક્યાંક ઔધોગિક એક્મોમાં આગ લાગી તો ક્યાંક કેટલાય વાહનોમાં આગ જેવી ઘટના પ્રકાશમાં આવી ચુકી છે, તેવામાં વધુ એક આગ લાગવાનો બનાવ શહેરના રાજીવ આવાસના મકાનમાંથી સામે આવ્યો હતો.
રાજીવ આવાસના ફ્લેટ નંબર 105 માં રહેતા કનુબેન વસાવા આજે સવારે મકાન બંધ કરી કામ ધંધા ઉપર ગયા હતા જે બાદ અચાનક મકાનમાંથી ધુમાડા નીકળવા લાગતા આસપાસના પડોસીઓ દોડી આવ્યા હતા અને ઘટના અંગેની જાણ કનુબેન તેમજ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને કરી હતી.
રાજીવ આવાસમા આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને થતા જ તાત્કાલિક ધોરણે ફાયરના કર્મીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તેના પર કાબુ મેળવ્યો હતો, હાલ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, તેમજ આગમાં મકાનમાં રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ જતા મકાન માલિકને હજારો રૂપિયાનું નુકશાની થઈ હોવાનું કહેવાય રહ્યું છે.