“કોરા કાગળમાં કંઈક આમ લખું છું,
મોગરાના તેજ ને પણ શ્યામ લખું છું.
ઉડી ના જાય સુવાસ તારી
એટલે બંધ એકાંતમાં પણ નામ લખું છું “.
– ( ઘાયલ )
ઘાયલની આ રચનામાં સમય સાથે સુવાસ ઉડી જવાનો ડર તો ડોકાય જ છે પરંતુ તેમ ના થાય તેનો ઉપાય પણ છે. આજે જેમની ત્રીજી પુણ્યતિથિ છે એવા સ્વ. અહેમદભાઈ પટેલના કાર્યોની સુવાસ પણ સદા જળવાય એ માટે ઘણા લોકોએ ” ઘાયલ ” ની જેમ બંધ એકાંત માં તેમનું નામ લીધું છે. તેમના અંતરમનની વિશાળતાને નમન કર્યા છે. દેખાડો, દંભ,લાલચ, અને ખાસ તો.. મેં કર્યું, મેં કર્યું…એવા ઢોલ પીટવા જેવી હરકતને સખત નફરત કરતા અહેમદભાઈ ને કદાચ…. પોતાની પુણ્યતિથિએ શબ્દો કરતા મૌનની ભાષામાં અપાયેલી શ્રદ્ધાંજલિ વધુ ઉચિત અને બંધ બેસતી છે. તેમના અહેસાનનો, સાથનો, હૂંફનો અને માર્ગદર્શનનો સતત ભાર અનુભવી રહેલા સેંકડો વ્યક્તિઓએ આજે બે મિનિટ મૌન રહીને જે શ્રદ્ધાંજલિ આપી હશે તે પ્રાતઃ કાળની પ્રાર્થનાથી કમ નહીં હોય. મર્હુમની શોક સભામાં છેલ્લી લાઈનમાં ખૂણામાં બેઠેલા કોઈ અજ્ઞાત વડીલની આંખમાંથી સરી પડેલા અહોભાવના બે આંસુ આખા ભપકાદાર કાર્યક્રમ કરતા વધુ અસરદાર સાબીત થયા હશે. પોતાનાઓની તો ઠીક પરંતુ પારકી આંખમાં હર્ષના આસું લાવવા નીચોવાય જવુ પડે એ વાત રાતોના ઉજાગરા વેઠીને તેમણે સાબીત કરી છે. અને હા, અહેમદભાઈ ક્યાં કોઈ તાજના મોહતાજ હતા?? તો પછી હવે તેમને ટોળા ભેગાં કરવાનું આકર્ષણ હોય ખરું?? જેમણે સાચા અર્થમાં “માનવી” બનીને જીવી લીધુ અને હવે શુન્યમાં સમાય ગયેલા એ આત્મીયજનને શબ્દોથી મુલાવવા કરતા મૌનથી આદર આપવો પડે. એ માનવતાની ઉંચાઈ વટાવી ગયેલા ઓલિયા જીવની ઊંચાઈ આંકવા વાળા આપણે કોણ ?? અરે ……કોઈ આપે અને એ લે… એ ક્રમમાં રહેલો વિરોધભાસ એટલે જ અહેમદ પટેલ. તેમણે વફાદારી અને પ્રેમ સિવાય કંઈ માંગ્યું હોય તો કહો??
તેથી જ…. મોગરાના તેજ ને શ્યામ લખવું પડે. નજર ના લાગે એ માટે ફોટાને પણ ટપકું કરવું પડે. તેમની ઊંચાઈ માપવા દરિયામાં ડૂબકી મારવી પડે. દિલ્લીમાં વર્તાતી ખોટને પીરામણની ગણાવવી પડે. સેનાપતિને પણ સારથી ખપાવવા પડે. આદરણીય અહેમદજીને બાબુભાઇ કહીને વાતને વાળી લેવી પડે…..
અહેમદ પટેલને જેઓ ઓળખતા નથી એમની દેખાડો કરતી શ્રદ્ધાંજલિનો કોઈ અર્થ નથી અને જેઓ ઓળખે છે તેઓ છાના ખૂણે દુઆ માંગી જ લે છે.
આપણે સ્થાનિકોએ શું ગુમાવ્યું તે એક વાક્યમાં કહેવું હોય તો કહીં શકાય કે આપણે ” રિસ્તા ઓર ફરિસ્તા ” ગુમાવ્યો છે. જે હાથ પકડે એટલે પત્યું…. મુસીબત સમયે પડખે ઉભો રહેતો સિંહ ગુમાવ્યો છે. ભાઈ સરીખો ખભો ગુમાવ્યો છે. તેમની ઓળખ માટે જો તેમને જ પૂછ્યું હોય તો… તેઓએ ઘાયલ ના જ શબ્દોમાં જણાવ્યું હોત કે….
” કંઈ અનોખો હિસાબ છે મારો,
કંઈ અનોખો જ રાહ રાખું છું.
છે મુકદ્દદર કંઈ જુદું મારું,
હું સિતારા સીયાહ રાખું છું. ( સીયાહ એટલે કાળા )
અને છેલ્લે….( આપણે ઉમેરવું પડે..!!..)
આમ તો છું ફકીર પણ ‘ઘાયલ’ ચાકરો બાદશાહ રાખું છું…..”
વાહ, sir….
અમે ગુમાવ્યાની યાદીમાં આ શાયરાના અંદાજ, આ ખુમારી, આ બાદશાહત અને દિલદારી છે. શું કુદરત પણ અદેખાઈના અવગુણ થી પીડાય છે??
હે પ્રભુ, તારા દરબારમા એટલી વિનંતી કરું છું, સાથે બેસાડી સદા ખુશ રાખજો જેમને હું યાદ કરું છું….