રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ ભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાંધકામ શ્રમિકો માટે શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતેથી કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત દેશના છેવાડાના નાગરિકો વિકાસ માટે સતત સંવેદના દાખવી છે. દેશના વિકાસના પાયામાં વિશેષ યોગદાન આપે છે તેમને માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું અમલીકરણ કરાયું હતું.જેના પગલે માત્ર ૫ રૂપિયામાં જ શ્રમિક તથા તેમના પરિવારોને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે.જેમાં રોટલી, શાક,કઠોળ, ભાત, અથાળું, મરચા અને ગોળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરાયો છે. આમ,સંપૂર્ણ આરોગ્યલક્ષી પૌષ્ટીકો આહાર આપીને શ્રમિકોના આરોગ્યની દરકાર રાજ્ય સરકાર લે છે તેમ તેમને જણાવ્યું હતું.
આ વેળાએ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર છેક છેવાડાના નાગરિકોને રોજગારી સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા કરે એ જ ખરેખર પ્રસંશનિય કાર્ય ગણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કુલ -૩ ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં ઝઘડિયામાં બસ સ્ટેન્ડ પાસે તથા જંબુસરમાં પોલીસ ચોકી પાસે અને મદદનીશ કમિશનરની કચેરી સામે નવીન ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં કુલ ૨૦,૪૦૦ જેટલા શ્રમિકો નોંધાયેલા છે.જે પૈકી શિક્ષણ સહાય યોજનામાં સૌથી વધારે કુલ ૪૫૫ જેટલા લાભાર્થીઓ લાભ લીધો છે.
વધુમાં, આ વિભાગ હેઠળ ચાલતી મેડિકલ હેલ્થ યુનિટ,પ્રસૂતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના,શિક્ષણ સહાય યોજના,પી.એચ.ડી ના અભ્યાસક્રમ માટેની યોજના, આસ્મિક મૃત્ય સહાય, અંત્યેષ્ટિ સહાય યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય, ગો – ગ્રીન શ્રમિક યોજના, દિવ્યાંગ શ્રમિકો માટે ઇલેક્ટ્રિક ત્રી – ચક્રી વાહન યોજના, નાનજી દેશમુખ સહાય યોજના, હાઉસીંગ સબસિડી યોજના, વિશિષ્ઠ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય યોજના,પી એમ જે જે બી વાય યોજના,સંપૂર્ણ તબીબી તપાસ યોજના, કુશળ શ્રમિક સહાય યોજના,પીએમ જે વાય યોજના જેવી એમ કુલ ૧૮જેટલી યોજના કાર્યરત છે .
આ વેળાએ ઉપસ્થિત લોકોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અમદાવાદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ વેળાએ મહાનુભાવોના હસ્તે ૧૫ જેટલા લાભાર્થીઓને પ્રતીકાત્મક સ્વરૂપે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન આસીસ્ટરન્ટ કમિશનર ગાંધીએ તથા આભાર વિધી પીનાકીન પટેલે કરી હતી. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નાયબ નિયામક વસાવા સહીત અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.