નેશનલ હાઇવે 48 ઉપર ભરૂચ – અંકલેશ્વર વચ્ચે માંડવા ગામ પાસે હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ ટેક્સ કાર્યરત કરવામાં આવ્યું છે, વર્ષોથી આ સ્થળેથી ભરૂચ જિલ્લાના વાહનો પસાર થતા આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક વાહનો પાસેથી પણ ટોલ કર વસુલાત કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ટોલ ટેક્સ ખાતે ઢસી જઈ ભારે હોબાળો કર્યો હતો, અને માંગ કરી હતી કે GJ 16 પાર્સિંગ વાહન ને ટોલ મુક્તિ આપવામાં આવે, 100 મીટરની લાઈનને દોરી ટ્રાફિક જામ થાય ત્યારે ટોલ ફ્રી જવા દેવામાં આવે તેવી વ્યવસ્થા કરવા, બેરલની જગ્યાએ યોગ્ય બેરીકેટ લગાવવા જેથી વાહનોને નુકશાન અટકાવી શકાય, CCTV કેમેરાથી ટ્રાફિક પોલીસ આ અંગે નિયંત્રણ રાખે એવી વ્યવસ્થા કરવી, NHAI ના અધિકારીઓને ટોલ કોન્ટ્રાકટર દ્વારા નિયમોના ભંગ બદલ જવાબદાર ઠેરવવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે કોંગ્રેસ દ્વારા રજુઆત કરાઈ હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ રાણાની આગેવાનીમાં યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ માંડવા ટોલ ટેક્સ ખાતે સમગ્ર મુદ્દાઓને લઈ ભારે સુત્રોચ્ચાર સાથે હોબાળો કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ કોંગ્રેસના આંદોલનને પગલે પોલીસનો કાફલો પણ ટોલ ટેક્સ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યો હતો, જે બાદ આંદોલન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સાથે થોડા સમય માટે પોલીસનું ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જોકે પોલીસ દ્વારા આંદોલન કરી રહેલા 15 થી વધુ આગેવાનોની અટકાયત કરી હતી.
ભરૂચમાં કોંગ્રેસનું “લોકલ ટોલ મુક્તિ આંદોલન” માંડવા ટોલ ટેક્સ ખાતે કોંગી આગેવાનોનો હોબાળો,પોલીસે આગેવાનોની કરી અટકાયત
Advertisement