આમોદ તાલુકાના આછોદ ગામમાં છેલ્લા અઠવાડિયાથી એક કપિરાજ ગામલોકોને બચકા ભરતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું જેથી આમોદ રેન્જ કચેરીના સ્ટાફે કપિરાજને પાંજરે પુરતા લોકોએ હાશકારો લીધો હતો.
આમોદ તાલુકાના આછોદ ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી એક કપિરાજ ગામલોકોને તેમજ વેપારીઓને બચકા ભરી ઇજાગ્રસ્ત કરતો હતો. અઠવાડિયામાં કપિરાજે ૮ થી ૧૦ લોકોને બચકા ભરી લોહીલુહાણ કર્યા હતા જેથી ગામલોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે આછોદ ગામના સરપંચે આમોદ વન વિભાગની કચેરીનો સંપર્ક કરી વાંદરો પકડવા માંગણી કરી હતી.
આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણના માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ ફોરેસ્ટર જશુભાઇ પરમાર તથા વિપિન પરમાર તેમજ આછોદ ગામના યુવાનોના સહકારથી કપિરાજને પાંજરે પુરવામાં મોટી સફળતા મળી હતી. આમોદ રેન્જ કચેરીના ફોરેસ્ટર રમેશ ચૌહાણે કપિરાજને પકડવામાં મદદ કરનારા આછોદ ગામના યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.